/

અભિનેતા અને વોઇસ ઓવર આર્ટિસ્ટ આશિષ રોયનું નિધન

ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે 4 કલાકે 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

ઉલ્લેખનિય છે કે આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસે સારવારના પણ પૈસા નહોતા. છેલ્લા એક વર્ષમાં તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા લોકો પાસે આર્થિક મદદ માગી ચૂક્યા હતાં. આશિષના નજીકના મિત્ર સૂરજ થાપરે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી.

આશિષે ‘બનેગી અપની બાત’, ‘સસુરાલ સિમર કા’, ‘બ્યોમકેશ બક્ષી’, ‘યસ બોસ’, ‘બા બહુ ઔર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ અને ‘આરંભ’ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત આશિષે નેતાજી સુભાષચંદ્ર બોઝ, હોમ ડિલિવરી, મેરા પહલા પહલા પ્યાર, રાજા નટવરલાલ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

એક અભિનેતા હોવા ઉપરાંત આશિષ રોય વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ હતાં. તેમણે ‘સુપરમેન રિટર્ન્સ’માં કેવિન સ્પેસી માટે, ‘ડાર્ક નાઇટ’માં હીથ લેજર માટે તથા ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’માં બ્રેડલી કૂપર જેવા સુપરસ્ટાર્સના હિન્દી ડબિંગ માટે પોતાનો અવાજ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.