////

અભિનેતા સની દેઓલને Y કેટેગરીની સુરક્ષા મળી, 11 જવાન સહિત 2 કમાંડો સાથે રહેશે

બોલીવુડ અભિનેતા તેમજ ગુરદાસપુરના સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે દ્વારા બુધવારે ‘Y’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારનું સમર્થન કરનારી એમની ટિપ્પણીઓ બાદ અભિનેતાની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ સની દેઓલને Y કેટેગરીની સિક્યોરીટી આપવામાં આવી. જેમાં 11 સુરક્ષાકર્મીઓ સહિત 2 કમાંડો પણ સામેલ હશે.

ગત સપ્તાહે સની દેઓલે એક ટ્વીટ કર્યું હતું જેને લઈને ભારે વિવાદ થયો હતો. સનીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, આ બાબતને ખેડૂતો અને સરકારની વચ્ચે જ રહેવી જોઈએ. આ સાથે જ સનીએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે, કેટલાંક લોકો ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સની દેઓલે ટ્વીટ કરીને કહ્યું હતુંકે, મને ખબર છે કે, કેટલાંક લોકો આ સ્થિતિનો લાભ લેવા માંગે છે. અને તે લોકો સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે. એ લોકો ખેડૂતો વિશે નથી વિચારી રહ્યાં. એ એમનો પોતાનો એજન્ડા હોઈ શકે છે. હું મારી પાર્ટી અને ખેડૂતોની સાથે ઉભો છું અને હંમેશા ખેડૂતોની સાથે જ રહીશ. અમારી સરકાર હંમેશા ખેડૂતોના હિતની જ વાત કરે છે, ખેડૂતોનું હિત જ વિચારે છે. મને વિશ્વાસ છેકે, સરકાર સાથે વાતચીતથી આ મામલાનું યોગ્ય નિરાકરણ આવી જશે.

મહત્વનું છે કે, છેલ્લાં 22 દિવસોથી દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતો દિલ્લી બોર્ડર પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જોકે, હજુ સુધી આ મામલાનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું. આ મુદ્દે સની દેઓલના પિતા અને બોલીવુડના એક્ટર ધર્મેન્દ્રએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ધર્મેન્દ્રએ લખ્યું હતું કે, હું મારા ખેડૂત ભાઈઓની પીડા જોઈને ખુબ જ દુઃખી છું. સરકારે જલદી આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.