////

અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકર કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ

અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા ઉર્મિલા માર્તોંડકર આખરે શિવસેનામાં જોડાઈ ગઈ. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત માટે તે માતોશ્રી પહોંચી હતી. અહીં ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ ઉર્મિલાના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને પાર્ટી જોઈન કરાવી હતી. જોકે 5 મહિના પહેલા જ ઉર્મિલાએ મુંબઈ કોંગ્રેસના કામકાજ પર પ્રશ્ન ઉઠાવીને પાર્ટી છોડી હતી.

આ ઉપરાંત શિવસેના સાંસદ સંજય રાઉતે અગાઉ એક ટ્વીટ કરીને પુષ્ટિ પણ કરી હતી કે, ઉર્મિલા મંગળવારે શિવસેનામાં જોડાશે. જો કે ત્યારબાદ એવા પણ અહેવાલો હતા કે તે શિવસેનામાં જોડાવવાની નથી. ત્યારે આખરે ઉર્મિલા શિવસેનામાં જોડાઈ ગઈ.

આ દરમિયાન ઉર્મિલા માર્તોંડકરે શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની તસવીર આગળ નમન કર્યા હતા. આ અગાઉ શિવસેનાએ વિધાન પરિષદ માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મહાવિકાસ આઘાડી સરકાર તરફથી 12 નામની સૂચિ મોકલી હતી જેમા ઉર્મિલાનું પણ નામ હતું. ત્યારથી જ ઉર્મિલા શિવસેનામાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી.

તાજેતરમાં ઉર્મિલા શિવસેનાને ખુબ ઉપયોગી સાબિત થઈ છે. જેમાં કંગના રનૌતે જ્યારે મુંબઈની સરખામણી પાક અધિકૃત કાશ્મીર સાથે કરી હતી ત્યારે તે વખતે મહાવિકાસ આઘાડીમાં શિવસેનાની મહયોગી કોંગ્રેસ અને NCPએ ચૂપ્પી સાધી રાખી હતી. ત્યારે આ સ્થિતિમાં ઉર્મિલાએ કંગનાના નિવેદનની ખુલ્લીને ટીકા કરી હતી.

તો બીજી બાજુ એવી ચર્ચા પણ હતી કે, કોંગ્રેસ પોતે ઉર્મિલાને વિધાન પરિષદ માટે નોમિનેટ કરી શકે છે. પરંતુ મુંબઈ કોંગ્રેસના નેતા સાથે મતભેદોના પગલે ઉર્મિલા તે માટે ઈચ્છુક નહતી. પરંતુ જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ અંગે વાત કરી તો તે તૈયાર થઈ ગઈ. શિવેસનાના આ પ્રસ્તાવ પર કોંગ્રેસે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો. તો શિવસેનાએ પણ પોતાના બચાવમાં કહ્યું કે, ઉર્મિલાએ તો કોંગ્રેસ છોડી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.