///

કોંગ્રેસના રાજમાં ખેડૂતોની સ્થિતિ ‘જગતનો તાત, રડે દિન રાત’ જેવી હતી : CM રૂપાણી

આજે CM રૂપાણીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમલી બનાવાયેલા ખેડૂતહિતના ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે ભાજપના જનજાગરણ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી ખાતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું. જેમાં CM રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નૈતિકતાનો છાંટો હોય તો કોંગ્રેસ જવાબ આપે કે 2019ની લોકસભા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ખેડૂતોને મુક્ત બજારમાં વેપાર કરવાની આઝાદી, APMC એક્ટ સુધારવા અંગેની વાત કરી હતી, તો એ બાબતોનો વિરોધ આજે કોંગ્રેસ કેમ કરી રહી છે? વાત બિલકુલ સ્પષ્ટ છે, કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારીને, ખેડૂતોને ભ્રમિત કરવાની મંશા સાથે રાજકીય રોટલા શેકવા નીકળી છે.

ભૂતકાળમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોળીએ વીંધનારી કોંગ્રેસ કયા મોઢે આજે ખેડૂતોની વાત કરી રહી છે? વડાપ્રધાન મોદી આઝાદીના આટલા વર્ષો બાદ ખેડૂતોની આવક બમણી થાય, ભવિષ્ય વધુ ઉજ્જવળ બને તે માટે ઐતિહાસિક સુધારાઓ લાવ્યા છે તેનો કોંગ્રેસ અને અન્ય વિરોધપક્ષો પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધ કરી દેશના કરોડો ખેડૂતોના વિકાસના આડે આવી રહ્યા છે. દેશમાં વર્ષો સુધી દેશમાં રાજ કરનારી કોંગ્રેસની નીતિવિહોણી – ભ્રષ્ટાચારી કાર્યપદ્ધતિને કારણે દેશના અનેક ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.

કોંગ્રેસના રાજમાં ખેડૂતોની ‘જગતનો તાત, રડે દિન રાત’ જેવી સ્થિતિ થઈ હતી. આજે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારના કેન્દ્રસ્થાને ખેડૂત, ગરીબ અને ગામડું છે. સરકારની વિવિધ કલ્યાણકારી અને ખેડૂત હિતની અનેક યોજનાઓનો લાભ દેશની ગરીબ જનતા અને ખેડૂતોને સીધો મળ્યો છે. ટેકાના ભાવે જણસની ખરીદી તેમજ APMC બંધ થઈ જશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની જમીન હડપાઈ જશે જેવી બાબતો કે જેનો ઉલ્લેખ સુધારાઓમાં છે જ નહીં તેમ છતાંય કોંગ્રેસ દેશના ખેડૂતોને ભરમાવવાના દુષ્પ્રયાસો કરી રહી છે.

CM રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર તથા કેન્દ્ર સરકારના સિનિયર પ્રધાનો દ્વારા વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેકાના ભાવથી જણસની ખરીદી, APMCની વ્યવસ્થા ચાલુ જ છે અને આગળ પણ ચાલુ જ રહેવાની છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બિલમાં ખેડૂતોની જમીન અંગેનો કોઈ ઉલ્લેખ જ નથી. માત્ર પેદાશના કરાર અંગેની જ વાત છે. ખેડૂત દેશભરમાં ગમે ત્યાં તેને યોગ્ય ભાવ મળે તે રીતે પોતાની પેદાશ વેચે, કોઈ વેપારી કે કંપની સાથે કરાર કરીને તેના મનગમતા ભાવે પોતાના ઉત્પાદનનું વેચાણ કરે તેમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોને શું તકલીફ છે? દેશના કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેશના ખેડૂતોને ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના મનમાં નવા સુધારાઓ અંગે જે કોઈ પણ શંકા હોય તેના નિવારણ માટે તત્પર છે.

આજે કૃષિ સુધારાઓ અંગે જનજાગરણના ભાગરૂપે કેન્દ્રીયપ્રધાન પરષોત્તમભાઇ રૂપાલાએ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે, રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છ જિલ્લાના માધાપર ખાતે તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.