////

અમદાવાદમાં જનજીવન થયું ફરી ધબકતું, 24 દિવસ બાદ દુકાનો ખુલતા બજારોમાં રોનક છવાઈ

રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીરે ધીરે ઘટાડો થતાની સાથે જ રાજ્ય સરકારે વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને આજથી આંશિક લોકડાઉનમાં છૂટ આપી છે. જેમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ મળતા જ આજે બજારોમાં રોનકનો માહોલ જોવા મળ્યો હતો.

આંશિક લોકડાઉનમાં છૂટની સાથે 24 દિવસો બાદ આજથી શહેરના બજારો ધમધમતા થયા છે. એક દિવસ પહેલા જ્યાં રસ્તા પર એકલ-દોકલ વાહનો જ જોવા મળતા હતા, ત્યાં આજે વધારે ચહલપહલ જોવા મળી હતી. 24 દિવસો બાદ આજે માર્કેટ ખુલતા જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જો કે લોકો આ વખતે કોરોનાના ડરે માસ્ક સાથે બજારમાં જોવા મળ્યા હતા. આટલું જ નહી, દુકાનમાં ભીડ ના થાય તે માટે વેપારીઓ પણ લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતા જોવા મળ્યા હતા.

રાજ્ય સરકારે 24 દિવસ બાદ ધંધા રોજગાર ખોલવાને લઈને આંશિક રાહત આપી છે. જે મુજબ આજથી સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બજારો, દુકાનો અને લારી-ગલ્લા ખુલ્લા રહ્યાં છે. અનેક વેપારી સંગઠનોએ ધંધા-રોજગારને ખોલવાની છૂટ આપવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જ મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત દરમિયાન ગઈકાલે ધંધા-રોજગારમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી.

આ સાથે તમામને કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટેના તમામ નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આંશિક લોકડાઉનમાં છૂટના નિર્ણયને વેપારી આલમે આવકાર્યો છે. બીજી તરફ રાત્રિ કરફ્યુમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

જો કે આજે સવારે જ્યારે દુકાનો ખુલી ત્યારથી જ ટ્રાફીક જામ થવાનું શરૂ થઇ ગયું હતું. આ ઉપરાંત લાંબા સમયે દુકાનો ખુલી હોવાની સાથે ફરી બંધ થઇ શકે તેવી ભીતિના કારણે મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતા. જેના પગલે દુકાનોમાં પણ અને રોડ પર બંન્ને સ્થળ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવા માટેના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે રાજ્ય સરકારે ગત 28મીં એપ્રિલે આંશિક લોકડાઉનનું એલાન કર્યું હતું. જેમાં જરૂરી સેવાઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર-ધંધાને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.