//

દિલ્હીમાં બિઝનેસમેનની હત્યા કર્યા બાદ મૃતદેહને ગુજરાતમાં ફેંકી દીધો

દિલ્હીમાં એક બિઝનેસમેનની ઘાતકી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ગુજરાતમાં ફેકી દેવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના મૉડલ ટાઉનમાં બિઝનેસમેનની હત્યા તેની જ પ્રેમિકાએ તેની માતા તથા ભાવિ પતિની સાથે મળીને કરી હતી. તો આ હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપીઓએ નીરજ નામના બિઝનેશમેનના મૃતદેહને સૂટકેસમાં ભરીને ટ્રેનમાં બેસીને ગુજરાતના ભરુચમાં ઠેકાણે લગાવી દીધો હતો. જોકે પોલીસ આ ત્રણેય આરોપીઓ સુધી પહોંચી ગઈ છે.

આ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક બિઝનેસમેન નીરજ પોતાની ઑફિસમાં કામ કરી રહેલી ફૈઝલ નામની યુવતીને પ્રેમ કરતો હતો. નીરજના 10 વર્ષથી ફૈઝલ સાથે અનૈતિક સબંધો પણ હતા અને બન્ને લગ્ન પણ કરવા માંગતા હતા. જો કે ફૈઝલના પરિવારજનોને તેમનો સબંધ મંજૂર ન હતો. આથી જ ફૈઝલના પરિવારે જુબૈર નામના એક યુવક સાથે તેની સગાઈ નક્કી કરી દીધી હતી.

આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, ફૈઝલે નીરજને આદર્શનગરના કેવલ પાર્કમાં આવેલા પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં નીરજની મુલાકાત ફૈઝલની માતા શાહીન નાઝ અને જુબૈર સાથે થઈ હતી. નીરજ અને ફૈઝલના પરિવારજનો વચ્ચે તેમના સબંધને લઈને બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન જુબૈરે નીરજના માથે ઈંટ ફટકારીને ચાકુથી તૂટી પડ્યો હતો. જેમાં નીરજનું મોત થયું હતું.

જુબૈરે નીરજની હત્યા કર્યા બાદ નીરજના મૃતદેહને ભરૂચ નજીક ફેંકી દીધો હતો. આરોપી જુબૈર રેલવે પેન્ટ્રીમાં કામ કરે છે. તેણે પહેલા નીરજના મૃતદેહના કટકા કરીને તેને એક સૂટકેશમાં ભરી દીધો અને ગોવા જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ચડી ગયો હતો. ત્યારબાદ જુબૈરે રસ્તામાં નીરજના મૃતદેહથી ભરેલા સૂટકેસને ભરૂચ નજીક ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો.

નોંધનીય છે કે, 14 નવેમ્બરે મૃતકની પત્નીએ નીરજના ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે મૃતકના પરિવારે ફૈઝલ પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી ફૈઝલ, શાહીન અને જુબૈરની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.