////

GOOD NEWS : એકીસાથે 3 વેક્સિન આવી શકે છે દેશમાં, ફાઇઝર-સીરમ બાદ વધુ એક કંપનીએ માગી મંજૂરી

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે તેની સ્વદેશી કોરોના વેક્સિન ‘કોવાક્સિન’ ના તાત્કાલિક ઉપયોગ માટે DCGIની મંજૂરી માગી છે.

નોંધનીય છે કે આ અગાઉ અમેરિકન કંપની ફાઈઝર અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ ઇમરજન્સી એપ્રૂવલ માટે સરકારની સામે મંજૂરી માટે એપ્લાય કરી ચૂકી છે.

ભારતમાં ટૂંક સમયમાં વડાપ્રધાન મોદીના કોરોના વેક્સિન ઉપલબ્ધ થવાના આશ્વાસન વચ્ચે દેશ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકન કંપની ફાઈઝર અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાદ હવે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે તેની કોવિડ -19 રસી માટે મંજૂરી માગી છે. આ માટે DCGIને અરજી કરવામાં આવી છે. આ અંગેની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRના સહયોગથી ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ -19ની વેક્સિન થોડા અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે.

તે જ દિવસે સાંજે, અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરની ભારતીય શાખાએ ફાઈઝર ઈન્ડિયાએ તેની કોવિડ વેક્સિનના તાત્કાલિક ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માગી હતી. અગાઉ, આ કંપનીને UK અને બહરીનમાં આ પ્રકારની મંજૂરી મળી છે. ઓક્સફર્ડની કોવિડ -19 વેક્સિન કોવિશિલ્ડ માટે 6 ડિસેમ્બરે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આ પ્રકારની મંજૂરી માગી હતી.

ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ફાઇઝર ની અરજીઓ પર આગામી દિવસોમાં એક્સપર્ટ પેનલ દ્વારા નિર્ણય લેવાશે. તે માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDCSO વિચાર કરશે. નોંધનીય છે કે હવે DCGI સમક્ષ ત્રણ કંપનીઓની અરજી પેન્ડિંગ છે અને આવનારા સમયમાં વધુ કોરોના રસી માટે એપ્લિકેશન થઈ શકે છે. ખાસ કરીને રશિયન રસી સ્પુટનીક વી અને ઝાયડસની કોરોના રસી તેના આગામી ઉમેદવારો હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published.