///

અમદાવાદમાં યુવતીએ આપઘાત કર્યા બાદ પિતાએ દિકરીના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દીધો

અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાની પુત્રીને પ્રેમ સંબંધ મામલે ઠપકો આપ્યા બાદ યુવતીએ મોતને વહાલું કરી લીધું છે. યુવતીએ આત્મહત્યા કર્યા બાદ પિતાએ યુવતીના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. આ અંગે કોઈને ખબર ન પડે તે માટે મૃતદેહને પોટલામાં બાંધીને મોડી રાત્રે રેલવે ટ્રેક પર નાખી વતન જતા રહ્યાં હતા. જોકે મૃતદેહની બુટ્ટી તેમજ મૃતકના ભળતા ફોટો પરથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે આકાશ પાતાળ એક કરીને ફરાર પિતાની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં રેલવે ટ્રેક પર એક યુવતીનો સળગેલો મૃતદેહ થોડા દિવસ પહેલા મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતદેહ પર માત્ર ઓળખ માટે એક કાનની બુટ્ટી મળઈ હતી. જોકે પોલીસને આ વિસ્તારમાં આવેલી ચાલીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવતી અને તેનો પરિવાર ગાયબ છે. ઘરમાંથી એક ફોટો મળ્યો જેમાં મૃતદેહ અને ફોટોમાં દેખાતી બુટ્ટી એકસમાન જોવા મળી હતી. આખરે પોલીસ યુપી પહોંચી અને યુવતીના પિતાને પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

શહેરના મેઘાણી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે આ મૃતદેહ પહેલી ડિસેમ્બરના દિવસે મળ્યો હતો. આ મૃતદેહ 20થી 22 વર્ષની યુવતીનો લાગતો હતો. જોકે મોટા ભાગનો મૃતદેહ બળેલો હતો એટલે તેની ઓળખ થતી ન હતી. જેથી પોલીસ પણ અસમંજસમાં હતી કે, આ યુવતી કોણ છે. જે સંદર્ભે પોલીસ પ્રાથમિક હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પણ આ યુવતીને શોધવું પોલીસ માટે પડકાર હતો. આ બનાવ અંગે પોલીસને એટલી ખબર પડી કે મરનાર યુવતી ભારતી રાજપૂત છે. ત્યાર બાદ પોલીસ તેના પિતાને શોધવા યુપીના ઇટાવા પહોંચી હતી. ત્યાં યુવતીના પિતા જગદીશ રાજપૂત મળી આવ્યા હતા. તેમની પુછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ અંગે પોલીસને જાણવા મળ્યું કે, ભારતીને આ વિસ્તારમાં એક યુવક સાથે પ્રેમ સબંધ હતો. જૅથી યુવતીને એના પિતાએ માર મારીને ઠપકો આપ્યો હતો. આ બનાવ બાદ યુવતીએ તેના ઘરમાં બીજા રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી હતી. પણ તેના મોત બાદ જગદીશ સિંહ અને તેના બે અન્ય સાથીઓએ ભેગા મળીને બાઈકમાંથી પેટ્રોલ કાઢીને ભારતીના મૃતદેહને શળગાવી દીધો હતો. પરંતુ મૃતદેહ પૂરો સળગ્યો ન હતો. જેથી આ લોકોએ ભેગા મળીને મૃતદેહને કોથળામાં ભરીને મોડી રાતે રેલવે ટ્રેક પર નાખી દીધો હતો. ત્યાર બાદ બધા તાબડતોબ અમદાવાદ છોડીને પોતાના વતન જતા રહ્યા હતાં.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ ભારતીના પિતા જગદીશ સિંહની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં ભારતીના મામા મામી, માસા-માસી વોન્ટેડ છે. જોકે હજુય પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે, હકીકતમાં ભારતીએ આપઘાત કર્યો અને બાદમાં તેને સળગાવી કે ભારતીને લટકાવી દીધી અને બાદમાં તેને સળગાવી દીધી. અન્ય આરોપીઓ પકડાયા બાદ અને ડૉકટરનો રિપોર્ટ આવ્યા બાદ આ બાબતનો યોગ્ય તાગ મેળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.