///

રાજ્યમાં તૌકતે વાવાઝોડાના સંકટ બાદ હવે ફરીથી ગરમીનું જોર વધશે

તૌકતો વાવાઝોડાએ રાજ્યમાં તબાહી મચાવી દીધી છે, ત્યારે ગુજરાત પરથી તૌતકે વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. ત્યારે હવે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે અને કાળઝાળ ગરમી ફરીથી શરૂ થશે.

તૌકતે વાવાઝોડાની અસરને કારણે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

શુક્રવારથી રાજ્યમાં તમામ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ છવાશે અને તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. ત્યારે નોંધનીય છે કે, સોમવારે રાત્રે દીવ અને ઉના વચ્ચે થયેલા લૅન્ડફોલ બાદ મંગળવારે વાવાઝોડું ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડાએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. જેની સામે પીએમ મોદીએ આકાશી નિરિક્ષણ કરીને રાજ્યને એક હજાર કરોડની સહાય કરી છે.

તૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલી તારાજીનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, એ વચ્ચે વધુ એક વાવાઝોડું ભારત પર ત્રાટકે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાયું છે અને તેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે. 23-25 મે વચ્ચે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારથી પસાર થવાની સંભાવના છે. સ્કાયમેટ વેધરે ટ્વીટ કરીને જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ‘યાસ’ વાવાઝોડું સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.