////

અમિત ચાવડાના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિક પટેલનું નામ મોખરે

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજવામાં આવેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ બેઠક પર પરાજય થતા જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યુ છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીનું પદ છોડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પસંદ કરવા પડશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાર્દિક પટેલ સિવાય શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે.

રાજ્યમાં કોંગ્રેસના સતત ખરાબ પ્રદર્શનને પગલે અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું લઇને પ્રભારી રાજીવ સાતવ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અશ્વિન કોટવાલ, શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ ચર્ચામાં છે. જ્યારે હાર્દિક પટેલનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ટોપમાં ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે, સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ કરવામાં આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં નવા પ્રમુખ તરીકે કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં છે. હાર્દિક પટેલને જો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકે છે.

નોંધનીય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની 26 બેઠકોમાંથી એક પણ બેઠક મેળવી શકી નહતી. જ્યારે હાલની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આમ રાજ્યમાં પાર્ટીનું સતત નિરાશાજનક પ્રદર્શન જોતા પ્રદેશ પ્રમુખ અમિત ચાડવા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા આપવાની રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.