///

મહારાષ્ટ્ર: વેપારીએ બોલી લગાવ્યા બાદ પાક લેવાની મનાઈ કરતા ખેડૂતે મોતને વ્હાલું કર્યું

નવા કૃષિ કાયદા વિરુદ્ધ આજે 28 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે મહારાષ્ટ્રના અમરાવતીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરાવતીમાં એક સંતરાની ખેતી કરનારા ખેડૂત પરિવારના બે સભ્યોના મોત થયા છે. જેમાં સૌ પ્રથમ મોટાભાઈ અશોક ભૂયારે આપઘાત કર્યો હતો. જેના અંતિમ સંસ્કાર કરીને પરત ફરતી વખતે નાના ભાઈને આઘાતમાં એટેક આવતા તેનું પણ મોત નીપજ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અશોક ભૂયારે આત્મહત્યા કરતાં પહેલા રાજ્ય સરકારના પ્રધાન બચ્ચૂ કડૂને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં મદદની માંગ કરી હતી. બચ્ચૂ કડૂ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં શિક્ષણ પ્રધાન છે. જેમની ગણતરી વિસ્તારના સૌથી મોટા ખેડૂત નેતા તરીકે થાય છે. તાજેતરમાં બચ્ચૂ કડૂ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પણ પહોંચ્યા હતા.

ત્યાર ખેડૂતે પોતાના પત્રમાં લખ્યું છે કે, સંતરાની બોલી લગાવનારા વેપારીએ છેલ્લી ઘડીએ માલ લેવાની મનાઈ કરી દીધી. જ્યારે ખેડૂતે પ્રશ્ન પૂછ્યો તો, તેણે પહેલા દારૂ પીવડાવ્યો અને પછી બેરહેમીથી ફટકાર્યો. આ મામલે ખેડૂત અશોક ભૂયારે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં પરિવારનો આરોપ છે કે, જ્યારે ખેડૂત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયો, ત્યારે ઈન્સ્પેક્ટરે પણ તેને ફટકાર્યો હતો. જે બાદ તેણે આત્મહત્યા કરી લીધી.

આ દરમિયાન પ્રધાનના નામે તેણે પત્ર પણ લખ્યો. આ આત્મહત્યા બાદ ગ્રામજનો અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ખૂબ જ હોબાળો કર્યો અને જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

મહત્વનું છે કે, અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય વિસ્તારોમાં આ પ્રકારના કેસ સામે આવ્યાં છે. જ્યાં ખેડૂતને પાકમાં થયેલા નુક્સાન બાદ મોત વ્હાલું કર્યું હોય. જો કે આ ઘટના એવા સમયે ઘટી છે, જ્યારે દિલ્હીના રસ્તાઓ પર નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના પણ અનેક ખેડૂત સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.