કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહને ખાસ વિમાન દ્વારા સાંજે દિલ્હીથી વડોદરા ખાતે લઇ અવાશે. ત્યાંથી વતન પિરામણ ખાતે લઇ જવાશે. જ્યાં આવતીકાલે ગુરૂવારે સવારે નવ વાગ્યા બાદ દફનવિધિ માટે લઈ જવાશે. તેમના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે કે તમામ લોકો કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે. જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલિ અર્પી તેમના માટે પ્રાર્થના કરે.
અહેમદ પટેલના મૃત્યુ બાદ પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના વતન પિરામણ ખાતે માતા પિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરવામાં આવશે.
આ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. જ્યાં આજે બુધવારે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. અહેમદ પટેલના અવસાનના સમચાર સાંભળીને અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા વતન ખાતે કરવામાં આવે. અહેમદ પટેલની ઈચ્છા અનુસાર, પીરામણ ખાતે તેમના દફનવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીરામણ ગામમાં અહેમદભાઈના માતા-પિતાની કબર નજીક જ અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવી શકે છે.
ભરૂચ જિલ્લાના પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલની રાજકીય સફર રોમાંચક રહી છે. તેઓ પિરામણથી દિલ્હી સુધી પહોંચ્યા હતાં. દિલ્હીમાં કામમાં વ્યસ્ત છતાં પિરામણ સાથે તેમનો અતૂટ સબંધ રહ્યો હતો. તેઓ અવારનવાર માદરે વતન પિરામણ આવતા હતા અને ગામની સમસ્યાનો ઉકેલ લઇ આવવા સતત પ્રયત્નશીલ રહેતા હતાં.