/

અમદાવાદ: હિસ્ટ્રીશીટર આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર

અમદાવાદની સ્થાનિક કોર્ટ દ્વારા ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ અગાઉ લગભગ 8 જેટલા અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટે આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજુર કર્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અરજદાર આરોપી ઉમરાવ બ્લોચ સામે વર્ષ 2017માં રીક્ષા ચોરીને લગતા ત્રણ ગુના નોંધાયેલા છે, જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે એક ગુનો નોંધાયેલો છે. આ સિવાય આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીને લગતા 3 કેસ નોંધાયેલા છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. આરોપી તરફે તેની સામે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સીઆરપીસીની કલમ 439 મુજબ જામીન અરજી કરી હતી.

આ અંગે અમદાવાદની સ્થાનિક કોર્ટે આરોપીના જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે, આરોપીનું નામ FIRમાં સામેલ નથી, સાક્ષીઓના નિવેદનના આધારે થયેલી તપાસ મુજબ તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે અને જો આરોપીને જામીન આપવામાં નહિ આવે તો આ પ્રિ-કન્વીક્શન સમાન બાબત થશે. જેથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટે આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજુર કર્યા હતાં.

આ ઉપરાંત કોર્ટે આરોપીને ગુજરાત છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મંજુર કર્યા છે. આ સિવાય આરોપીને 7 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અરજદાર-આરોપીના એડવોકેટ તરફથી રજુઆત કરી હતી કે, આરોપીને ખોટી રીતે સાક્ષીઓના નિવેદનના આધારે ગુનામાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત થયું નથી. જોકે આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2019માં આરોપી વિરુદ્ધ વધુ એક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.