રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભલે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ કારગર વેક્સિન સામે નથી આવી. જો કે અનેક કંપનીઓ કોરોનાની વેક્સિન બનાવવા પર સતત કામ કરી રહી છે. ત્યારે આ દરમિયાન આ વાઈરસ પર પ્રતિદિન નવી શોધ પણ સામે આવી રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોની સાથે સરકાર અને ડૉક્ટર્સની ચિંતામાં વધારો થયો છે.
તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, કોરોનાને માત આપનારા કેટલાક દર્દીઓ મ્યુકર માયકોસીસ નામના એક ફંગલ ઈન્ફેક્શનનો ભોગ બન્યા હતા. જે સંક્રમિત લોકોની આંખો, નાક અને જડબા ઓગાળી દે છે. આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, આ સંક્રમણ ધીમે-ધીમે વધીને લોકોના મગજને અસર કરે છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં એવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, જેનાથી ડૉક્ટર્સની ચિંતા વધી ગઈ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુલિયન બેરે સિન્ડ્રોમ નામની બીમારીના લક્ષણો ધરાવતા 10 કેસ સામે આવ્યા છે. જેને પગલે ફરી એક વખત ચિંતા વધી ગઈ છે. ગુલિયન બેરે સિન્ડ્રોમ એક જૂનો રોગ છે, પરંતુ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં તે વકર્યો છે. જેના કારણે દર્દીઓના હાથ-પગમાં લકવો મારી જાય છે. જો કે આ બિમારી હાલના સમયે એટલા માટે વધારે ખતરનાક બની રહી છે, કારણ કે કોરોનાને માત આપનારા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા 10 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
જોકે આ એક પ્રકારનો ઑટોઈમ્યૂન ડિસઓર્ડર છે, જેનાથી શરીરના ઈમ્યૂન સિસ્ટમ ખુદ જ શરીરના સ્વસ્થ સેલ્સને નુક્સાન પહોંચાડવા લાગે છે. જેનાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. સમય જતાં તે તમારા સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. શરૂઆતમાં આ રોગથી શ્વાસ સબંધી સમસ્યા થાય છે અને અંતમાં પૂરું શરીર લકવાગ્રસ્ત થઈ જાય છે.