///

અમદાવાદ : પોલીસે દુકાનમાંથી કબ્જે કરેલા 70 કિલો ગૌમાંસ કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા

અમદાવાદમાં ભાડાની દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે આ કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે. પોલીસ દ્વારા દુકાનમાંથી 10,500 રૂપિયાનું ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું હતું.

આ મામલે કોર્ટે આરોપી રિઝવાન કુરેશીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે, આરોપી આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કિસ્સામાં ગાયની કતલ થયા બાદ આરોપીની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્યું છે. ગૌમાંસ મુદ્દે કાયદામાં સુધારો કરી વધુ કડક બનાવવામાં આવ્યો હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે. કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

આ મુદ્દે સરકારી વકીલ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, આ દુકાનના મૂળ માલિકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે આરોપીનો ભાડા કરારનો સમય પૂરો થઈ ગયા હોવા છતાં દુકાનનો કબ્જો સોંપ્યો નહિ અને ત્યારપછી દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ પોલીસને મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવ બાદ આરોપીએ પોલીસ સ્ટેશનના પહેલા માળથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપીના જામીન ફગાવી દેવામાં આવે.

અરજદાર આરોપીના એડવોકેટ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપીનો ભાડા કરાર જ્યારે દુકાનમાંથી બીફ કબ્જે કરાયો તેના પહેલા પૂરો થઈ ગયો છે અને આ મુદ્દામાલ સાથે તેના કોઈ લેવા દેવા નથી. પોલીસે દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યો જોકે એ વખતે દુકાનનો કબ્જો આરોપી પાસે ન હતો તેવી રજુઆત કરી હતી. આરોપી નિર્દોષ છે અને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, પોલીસે બાતમીના આધારે દુકાન પર દરોડા પાડતા તેમાંથી રૂપિયા 10,500ની કિંમતવાળું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે આ ગૌમાંસ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.