///

ઇન્ટરનેશનલ મેગેઝીનમાં અમદાવાદના DDO અરૂણ મહેશબાબુનું રિસર્ચ પેપર ઝળક્યું

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવનું શોધકાર્ય ઇન્ટરનેશનલ સાયન્સ મેગેઝીનમાં ઝળક્યું છે. તેમના શોધપત્ર ‘પોપ્યુલેશન બેઝ્ડ સિરોપ્રિવેલન્સ ઓફ SARS-CoV-2 સ્પેસિફિક IgG એંટિબોડી ઇન રૂરલ અમદાવાદ- અ કેસ કંટ્રોલ સ્ટડી’ને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં સ્થાન મળ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ અને જિલ્લા આરોગ્ય અધિકારીએ અમદાવાદ રૂરલમાં જુનથી સપ્ટેમ્બર 2020 દરમિયાન કરેલા સર્વે આધારીત આ શોધપત્ર રજુ કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લીખનીય છે કે ગત વર્ષે ICMRની ગાઇડલાઇન મુજબ દેશભરમાં સિરોસર્વે કરવામાં આવ્યો છે.

ડી.ડી.ઓ. અરૂણ મહેશબાબુ અને ડૉ. શિલ્પા યાદવે અમદાવાદના તમામ 9 તાલુકામાં 0 થી લઇને 90 વર્ષ સુધીના કુલ 2300 જેટલા લોકોનો સિરોસર્વે કરી સિરો-પોઝિટીવિટીનું આંકલન કર્યું હતું. ત્યારે આ અભ્યાસ મુજબ 31 જાન્યુઆરી 2021 સુધીમાં અમદાવાદ રૂરલની 16 લાખમાંથી 4 લાખ વસ્તીમાં એંટિબોડી ઉત્પન્ન થયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણ બાદ શરીરમાં લાઇફલોંગ ઇમ્યુનિટી આવતી નથી – એન્ટિબોડી અમુક સમય પછી નકામા બને છે. ત્યારે અમદાવાદ રૂરલમાં કોરોના પ્રત્યે સાવચેતી-તકેદારીની જરૂર યથાવત છે.

કોરોના સંક્રમણ ફેલાવવામાં કે એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં સ્ત્રી-પુરુષ બંને સરખા છે. આથી જેન્ડર ડિફરન્સ અસ્થાને છે. ઉપરાંત અમદાવાદ શહેરથી નજીકના તાલુકામાં સિરો-પોઝિટીવિટીનો દર વધારે હોવાનો અને અમદાવાદ રૂરલમાં સિરો-પોઝિટીવિટીનો સરેરાશ દર 25 % રહ્યો હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

ડીડીઓ અરૂણ મહેશબાબુ જણાવે છે કે, લોકોમાં કોરોના સામે પુરતી રોગપ્રતિકારક શક્તિ કે હર્ડ ઇમ્યુનિટી ઉદ્ભવી નથી. આથી વેક્સિન લેવી ખૂબ જ અગત્યની બની જાય છે. આ ઉપરાંત નિયમિત સ્વચ્છતા, હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પણ ભૂલવું ન જોઈએ.

ડીડીઓ અરૂણ મહેશબાબુ અને ડૉ. શિલ્પા યાદવે શોધપત્રમાં ભારતના અન્ય પ્રદેશો અને વિદેશના સિરોસર્વેને ટાંક્યા છે. સાથે જ અમદાવાદ રૂરલના સિરો-સર્વે વિશે વિસ્તૃત છણાવટ કરી છે. આ શોધપત્રને IJSR દ્વારા 100માંથી 81 ગુણાંક આપી સ્વિકારવામાં આવ્યું છે. આ શોધપત્ર માટે સિરોલોજીકલ સર્વેનું સ્ટેટીસ્ટિકલ એનાલિસિસ બી.જે મેડીકલના ડૉ. દેવાંગ રાવલ અને ડૉ. રાજશ્રી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.