////

અમદાવાદ : મ્યુકોરમાઇકોસિસના ઈન્જેકશનની કાળાબજારી કરનાર ચાર શખ્સ ઝડપાયા

કોરોના વાયરસની સારવારમાં વપરાતા રેમડિસિવીર ઈન્જેક્શનની કાળા બજારી બાદ હવે મ્યુકોરમાઇકોસિસ વાયરસના દર્દીઓને આપવામાં આવતા ઈન્જેકશનની કાળાબજારીનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવી જ એક ટોળકીને દબોચી લીધી છે. આરોપી વિશિષ્ટ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, નીરવ પંચાલ તથા સ્મિત રાવલ નામના ચારેય શખ્શો મ્યુકોરમાઇકોસિસ વાયરસના દર્દીઓના સારવારમાં વપરાતા ઇન્જેક્શનને ઊંચા ભાવે વેચતા હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આ ચારેય શખ્સોની ધરપકડ કરી લીધી છે.

અમદાવાજ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ ચારેય શખ્સો પર આરોપ છે કે, તેઓ મ્યુકોરમાઇકોસિસ વાયરસના ઈન્જેક્શનને ઊંચી કિંમત વેચતા હતા. એક ઈન્જેક્શનના દર્દીઓના પરિવારજનો પાસેથી રૂપિયા 10 હજાર વસૂલવામાં આવતા. જોકે આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા છટકું ગોઠવીને આ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ ચારેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચે હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી 4 નંગ ઈન્જેક્શન, રોકડ 80 હજાર તથા મોબાઇલ ફોન એમ કુલ મળીને 1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમને સાથે રાખીને પાર પાડ્યું છે.

અત્યાર સુધી તો માત્ર રેમડિસિવીર ઇન્જેક્શનની કાળા બજારી થતી હતી. પરંતુ હવે એમ્ફોટેરેસીન-B નામના ઇન્જેક્શન જે મ્યુકોરમાઇકોસિસ દર્દીઓને આપવામાં આવતા હોય છે, તે ઈન્જેક્શન કાળા બજારી કરનારા શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આ ચારેય આરોપીઓમાંથી હાર્દિક રાવલ નામનો આરોપી પાસેથી આ ઈન્જેક્શનનો જથ્થો લાવ્યા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી છે. ત્યારે આ ચારેય આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.