/////

રાજ્યમાં બે જિલ્લાના નવા શહેર પ્રમુખની નિયુક્તિ હજી પણ કોરાણે પડી

રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપના સૌથી મોટા સંગઠન અમદાવાદ શહેરના હજુ પણ નવા શહેર પ્રમુખની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે.

મહત્વનું છે કે શહેર પ્રમુખ એ સંગઠનના મુખ્ય વડા છે. તેવા સંજોગોમાં ચૂંટણી લડાવાની સૌથી મોટી જવાબદારી પણ શહેર પ્રમુખ પર હોય છે. પણ હજુ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત ભાજપે કરી નથી.

ઉલ્લેખનિય છે કે આ પહેલા ભાજપે પોતાના 39 શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત 1 મહિના પહેલા કરી હતી, પરંતુ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની નિયુક્તિઓ લટકી હજુ પણ એમને એમ લટકી પડી છે. જેના કારણે સંગઠનની સંરચના પણ અટકી પડી છે. જો કે આ તકે ભાજપનો દાવો છે કે નવું સંગઠન જાહેર ન થાય તો પણ જૂના સંગઠનના હોદ્દેદારોના આધારે જ ચૂંટણી લડાતી હોય છે.

જે રીતે આગામી મહિને જ ચૂંટણી જાહેર થવાની શક્યતા છે તે જોતા હવે નવા પ્રમુખો જાહેર થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ બંને વિસ્તાર પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નજર રહે છે. ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું છે. જો કે હાલમાં તો અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના વર્તમાન સંગઠને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે બંને જગ્યા પર ટીમનો આધાર હવે ચૂંટણીના પરિણામો પર આધારિત છે.

જણાવી દઇએ કે અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને ભાજપ છેલ્લા 15 વર્ષથી આ મહાનગરપાલિકાના સત્તા પર છે. ત્યારે આ વખતે પણ વધુ એક વાર ભાજપ આ મહાનગરપાલિકા પર સત્તા જાળવી રાખવાના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરશે.

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ત્યારે ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડયુ છે. તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અત્યારથી જ કમર કસી રહ્યું છે. આગામી એક સપ્તાહમાં ભાજપ દ્વારા જિલ્લા સ્તરે બૃહદ સંકલન બેઠક યોજી સ્થાનિક પડકારો અને તેમના વિશે વિસ્તૃત રિપોર્ટ બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે.

દરેક જિલ્લા દીઠ 2 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભાની પેટાચૂંટણીની જેમ જ આ નિરીક્ષકો તમામ જિલ્લામાં મુલાકાત લઈને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરશે. જેમાં સ્થાનિક પડકારો અને પક્ષની સ્થિતિની સમીક્ષા થશે. તે પહેલા આ સપ્તાહમાં તમામ જિલ્લામાં બૃહદ સંકલન બેઠક યોજાશે. જેમાં ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખના લોકો પણ હાજર રહેશે. જેનો મુખ્ય હેતું આગામી ચૂંટણીઓ પહેલા પક્ષ સામે રહેલા પડકારો જાણીને સ્થાનિક સંગઠનને સક્રિય કરવાનો રહેશે. પેજ સમિતિઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ચૂંટણી પહેલા તમામ બુથમાં પેજ સમિતિઓ બની જાય તેની જવાબદારી નિશ્ચિત થઈ જાય.

Leave a Reply

Your email address will not be published.