///

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી, મેમાં ઈતિહાસનો સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો

અમદાવાદમાં 23 વર્ષના લાંબા સમયયગાળા બાદ વાવાઝોડાનો અનુભવ થયો હતો. તેમાં પણ નવી પેઢી માટે અમદાવાદમાં વાવાઝોડુ અનુભવવાની વાત સાવ નવી હતી. 23 વર્ષના લાંબા વહેણ બાદ અમદાવાદને વાવાઝોડું સ્પર્શ્યું હતું. અમદાવાદમાં તૌકતે ચક્રવાતે ભારે નુકસાન સર્જ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝાડ પડવા અને હોર્ડિંગ્સ પડવાની ઘટના સામે આવી છે.

આ અગાઉ વર્ષ 1998માં લક્ષદ્વીપથી ઉદ્દભવેલું વાવાઝોડું અમદાવાદ પાસેથી પસાર થયું હતું. ત્યાર બાદ અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ 142 મીમી (અંદાજે 6 ઈંચ) વરસાદ થયો હતો. પવનની ગતિ પણ કલાકના 40થી 80 કિલોમીટર સુધીની રહી હતી. સાંજે 5 થી 7 વાગ્યાની આસપાસ વાવાઝોડાની સૌથી વધુ અસર દેખાઈ હતી. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા.

અમદાવાદના દૂરદર્શન ટાવર પાસે આવેલા મેદાનના રોડ પર અનેક ઝાડ પડી ગયા છે. તેમજ બસના સ્ટેન્ડ પર લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સ પણ તૂટીને પડ્યા છે. મંગળવારે સાંજે વાવાઝોડાએ અમદાવાદને ધમરોળ્યા બાદ બુધવારની સવારે નુકસાનીનો અંદાજ આવ્યો હતો. અમદાવાદના અનેક રસ્તા પર ઝાડ પડેલા દેખાઈ રહ્યાં છે. હાલ એએમસીનું તંત્ર પણ હાલ પડેલા ઝાડને હટાવવાની કામગીરીમાં લાગી ગયું છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં આવા વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે વાવાઝોડાને પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યો. બુધવારે પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો જોવા મળ્યો. વાવાઝોડાને પગલે વીજ પોલ તૂટી પડ્યા છે. બાવળા રોડ પર વીજ લાઇન બંધ થતાં આસપાસના વિસ્તારોને અસરગ્રસ્ત પહોંચી છે. વીજલાઈન શરૂ થતાં વધુ સમય લાગી શકે છે. સ્થાનિકો અને કોમર્શિયલ લાઇનને વીજળી વગર જ રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

એસજી હાઈ વે પર આવેલા AMTS બસ સ્ટોપ પડતા રોડ બંધ થયો હતો. તો રોડ પર લાગેલા મોટા હોર્ડિંગ બેનરો પણ પડતા પસાર થતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડાને પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.