//

અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો નોંધાયો, આ વિસ્તારોમાં વધ્યું સંક્રમણ

રાજ્યમાં તહેવાર બાદ કોરોના સંક્રમણની બીજી વેવ શરૂ થઇ છે. ખાસ કરીને અમદાવાદ શહેરે સમગ્ર રાજ્યની ચિંતા ફરીથી વધારી દીધી છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હવે સંક્રમણ વધતાં વધારે ચિંતા થઈ છે. જેમાં દિવસને દિવસે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન શહેરમાં વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 203 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયા છે.

શહેરના ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર, વસ્ત્રાપુર અને વેજલપુર જેવા પશ્ચિમના વિસ્તારોમાં સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે. અહીંની કેટલીક સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.

હોસ્પિટલની આવેલી રજૂઆતોના પગલે AMC દ્વારા હોટલ અને હોસ્ટેલને પણ કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેમાં અલગ અલગ હોસ્પિટલોમાં કુલ 378 જેટલા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1510 કેસ સામે આવ્યા હતાં. જ્યારે 1286 દર્દીઓ સ્વસ્થ થતા કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 2,00,409 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 3892 પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14,044 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.05 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે કુલ 84,625 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 73,89,330 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.