///

અમદાવાદ ટ્રાફીક પોલીસનો નવો કિમીયો, ટાર્ગેટ પુરો કરવા ચલાવે છે ઉઘાડી લૂંટ

અમદાવાદ શહેરમાં હપ્તા ઉઘરાવતા વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. તો સામે ટ્રાફિક પોલીસનો પણ એટલો જ ત્રાસ વધી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે ટ્રાફિક પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે તેમણે ડિસેમ્બરના અંત સુધી પુરો કરવાનો છે. જોકે, અમદાવાદીઓ ટ્રાફિકનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા છે જેને કારણે ટ્રાફિક પોલીસનો આ ટાર્ગેટ પુરો થાય તેમ લાગતો નથી. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટાર્ગેટને પુરો કરવા અને પોતાના ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા માટે વાહન ચાલકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ ટ્રાફિક પોલીસ લાખો રૂપિયાનો દંડ ઉઘરાવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસને દરરોજનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે પુરો ના થતા નવા નવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હવે એક સાઇડનો રસ્તો બંધ કરી રોંગ સાઇડના નામે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકો પાસેથી 2 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના ટ્રાફિક પોલીસના જવાનો ટોળુ બનીને ઉભા રહે છે અને વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં 8થી 10 પોલીસના જવાનો ઉભા રહે છે અને રસ્તે સીધા ચાલતા વાહન ચાલકોને રોકી ખોટી રીતે પજવણી કરી દંડ ઉઘરાવી રહ્યા છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા એવા લાલ દરવાજામાં ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ તેમજ માસ્ક પહેર્યા હોવા છતા ટ્રાફિક પોલીસના કર્મચારીએ રોકીને ગાડીના કાગળ માંગ્યા હતા. યુવક પાસે PUCની માંગ કરવામાં આવી હતી. જે બાદ યુવકે PUC બતાવતા તેની પાસે ઓરિજનલ PUCની માંગ કરવામાં આવી હતી અને 2000 રૂપિયા દંડ ભરવાનું કહેવામાં આવ્યુ હતું. યુવકે તેની પાસે પૈસા ના હોવાનું જણાવતા બાઇક જમા કરવાની ધમકી આપી હતી.

મહત્વનું છે કે, આ અગાઉ પણ અમદાવાદના ખમાસા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીની તસવીર સામે આવી હતી. જેમાં એક યુવક પાસેથી 1500 રૂપિયાનો દંડ માંગ્યો હતો જોકે, તેની પાસે માત્ર 500 રૂપિયા નીકળતા તેને ગુપ્ત ભાગે માર મારવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એક વખત શહેરની મુલાકાત લઇ ટ્રાફિક પોલીસની કામગીરી જોવી જોઇએ. જેને કારણે વાહન ચાલકોની સાથે સાથે ટ્રાફિક પોલીસને પણ સ્થિતિનું ભાન પડે અને વાહન ચાલકોને ખોટી રીતે પજવણી કરતા રોકે.

Leave a Reply

Your email address will not be published.