////

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી વાનર સેના

કોરોનાના વધતા સંક્રમણને કારણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની બાકી રહેલી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો જ વગર રમાશે. ત્યારે કોરોના સંક્રમણ વધતા દર્શકોને ટિકિટના પૈસા પણ પાછા આપવામાં આવી રહ્યા છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી એક તસવીર સામે આવી છે. જેમાં વાનર સેના મેચ પહેલા નીરિક્ષણ કરતી હોય તેમ લાગી રહ્યું છે.

વાનર સેનાએ મોટેરા સ્ટેડિયમમાં ગેલેરી ખાલી મળતા કુદાકુદ કરી હતી અને હળવી પળો માણી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બે ટી-20 મેચ પ્રેક્ષકોથી ખચાખચ ભરાયેલા સ્ટેડિયમમાં રમાઇ હતી. જોકે, હવે પછીની ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે જેને કારણે નીરસતા જોવા મળી રહી છે અને મેદાન પણ ખાલી ખાલી લાગી રહ્યુ છે.

પાંચ ટી-20 મેચની શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ એક-એક મેચ જીતી ચુકી છે અને શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટી-20 મેચ રમાશે. જેમાં રોહિત શર્માના રમવાની શક્યતા છે. રોહિત શર્માને પ્રથમ બે ટી-20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.

તો ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ થઇ શકે છે. જેમાં ઓપનર રોહિત શર્માની ટી-20 મેચમાં વાપસી થઇ શકે છે. ઓપનિંગમાં રોહિત શર્મા અને ગત પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારનાર ઇશાન કિશન ઓપનિંગ કરી શકે છે. તો વિરાટ કોહલી ત્રીજા નંબર પર, રિષભ પંત ચોથા અને શ્રેયસ અય્યર પાંચમા નંબર પર બેટિંગમાં આવી શકે છે.

જ્યાકે લોકેશ રાહુલને ત્રીજી ટી-20 મેચમાં બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. સૂર્યકુમાર યાદવ પણ છઠ્ઠા નંબર પર બેટિંગમાં આવી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રાહુલ તેવટિયા ટી-20 મેચમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા છે. ભૂવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published.