///

અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, AQI 239 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં હવામાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ માપવા માટે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 239 પર પહોંચી ગયો છે. જે ઘણો જોખમી ગણવામાં આવી રહ્યો છે. જ્યારે દિલ્હીનો AQI 378 છે. એર ક્વોલિટી 0થી 100 હોય તો સારું કહેવાય, 100થી 200 હોય તો મોડરેટ અને 200થી 300 હોય તો પરિસ્થિતિ ખરાબ કહેવાય છે.

અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણનું મુખ્ય કારણ શહેરમાં રહેતા 40 લાખથી વધુ વાહનોની સંખ્યા. સાથે જ શહેરમાં હજારોની સંખ્યામાં ફેકટરીઓ આવેલી છે. આ વાહનો અને ફેકટરીઓ સતત ઝેર ઓકી રહ્યા છે. જેના કારણે હવામાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. લોકડાઉન દરમિયાન હવા અતિ શુદ્ધ બની હતી. નદી પણ પ્રદુષણ મુક્ત બની હતી પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી જાય છે તેમ તેમ પ્રદૂષણ વધતું જાય છે.

તો બીજી બાજુ રાજ્યમાં કોરોના વાઈરસ હજુ સંપૂર્ણપણે નષ્ટ થયો નથી. તેને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ વધારે હોય ત્યારે ખાસ તકેદારી રાખવી જોઈએ. દરમિયાન લોકોએ માસ્ક ફરજીયાત પહેરેલું રાખવું જોઈએ. ખાસ અસ્થમાના દર્દીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત દિવાળી પર્વ આવી રહ્યો છે, ત્યારે લોકોએ સંયમ રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.