///

ભક્તિ અને આસ્થામાં માનતા હોવ તો પાકિસ્તાનમાં આવેલા આ મંદિર વિશે પણ જાણો

માતાજીની શક્તિની આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે. જેમાં સતત 9 દિવસ સુધી માતાજીના મંદિરોમાં ભક્તો આસ્થાઓ સાથે આવી પુજા અર્ચના કરતા હોય છે, ત્યારે આવા ભારતમાં અનેક મંદિરો આવેલા છે જેના શરણે ભક્તોની પણ ભીડ ઉમટતી હોય છે. તેમાંની જ જો એક મંદિરની વાત કરવામાં આવે તો હિંગળાજ માતાજીનું મંદિર છે, પરંતુ હા તમે જો એક ભક્ત તરીકે મંદિરના દર્શન કરવા ઇચ્છતા હોય તો અહીં સુધી પહોંચવુ અઘરૂ છે. તેનુ કારણ એ છે કે આ મંદિરમાં પહોંચવા માટે તમારે એક ભક્ત તરીકે પણ પાકિસ્તાન સરકાર પાસેથી મંજુરી લેવી પડે છે. મહત્વની વાત તો એ છે કે માતાજીનું મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન ખાતે આવેલું છે.

હિંગળાજ માતાજીના મંદિરની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના બલુચિસ્તાનના પહાડો પર આવેલુ એક પૌરાણીક મંદિર છે. એક માન્ચતા મુજબ કહેવામાં આવે છે કે 51 શક્તિપીઠોમાંનું આ એક મંદિર છે. બલુચિસ્તાનમાં આ મંદિરને નાનીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી જ હિંગળાજ માતાજીના મંદિરને મુસ્લિમ સમુદાય પણ સન્માન આપે છે.

મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે પવિત્ર સ્થાન પર આવી અને હિંદુ તથા મુસ્લિમ સમુદાયના ભેદભાવ પણ દુર થઇ જાય છે. બંને ધર્મના લોકો આસ્થા સાથે માતાજીની પુજા અર્ચના કરે છે. તેથી જ પાકિસ્તાનમાં આ મંદિરને નાનીની હજ પણ કહેવાય છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, જયારે ભગવાન શંકર માતા સતીના મૃત શરીરને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા, તો બહ્માંડને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરને 51 ભાગોમાં કટ કરી નાખ્યું હતું. હિંગળાજ એ જ જગ્યા છે, જ્યા માતાનું માથું પડ્યું હતું.

આ મંદિરમાં પ્રાચીન દર્શનીય મૂર્તિ સ્થાપિત છે. તમને એમ લાગતુ હશે કે માતા હિંગળાજજી માત્ર પાકિસ્તાનમાં છે તો ના એ તમારો ભ્રમ છે કારણ કે ભારતમાં પણ આવેલા છે. જેનું નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. પાકિસ્તાનના હિન્દુ શ્રદ્ધાળુઓ પણ માતાના દર્શનાર્થે આવે છે. કરાચીથી આશરે 250 કિલોમીટર દૂર આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળની સામે ચંદ્રકૂપ પહાડ પર આવેલુ મંદિર એટલું પ્રખ્યાત છે કે આખુ વર્ષ અહીં આસ્થા સાથે આવેલા ભક્તોની ભીડ જમા રહે છે.

એક માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ પણ અહીં આવ્યા હતાં. હિન્દૂના ધર્મમગ્રંથો અનુસાર, ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિએ પણ અહીંયા તપ કર્યો હતો. માતા હિંગળાજ મંદિરમાં પૂજા-દર્શનનું અદકેલુ મહત્વ છે. કહેવાય છે કે આ મંદિરમાં પૂજા કરવા માટે ગુરુ ગોરખનાથ, ગુરુ નાનક દેવ જેવા મહાન સંતો પણ આવી ચુક્યા છે.

હિંગળાજ દેવીના વિષયમાં એક પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકવાર માતા હિંગળાજના દર્શન કરે છે. તેઓને પૂર્વજન્મના કર્મોનો દંડ ભોગવવો પડતો નથી. આ મંદિર સાથે એક બીજી માન્યતા પણ જોડાયેલી છે. કહેવાય છે કે રોજ રાતે આ સ્થાન પર બધી જ શક્તિઓ એકત્ર થઈને રાસ રમે છે અને સવાર પડતા જ હિંગળાજ માતાની અંદર સમાઈ જાય છે.

પહાડ પર આવેલું આ મંદિર ગુફા સ્વરૂપે છે. મંદિરમાં કોઈ જ દરવાજાઓ આવેલા નથી. પૌરાણીક માન્યતા અનુસાર હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા આવે છે. આ મંદિરના પરિસરમાં ગણેશજી અને કાલિકા માતાજીની મૂર્તિ પણ સ્થાપિત છે. આ ઉપરાંત અહીં બે કુંડ આવેલા છે બ્રહ્મકુંડ અને તીરકુંડ. મંદિરનો પ્રવેશ કરવા માટે સીડીઓ ચઢવી પડે છે. સૌ પ્રથમ મંદિરમાં ગણેશજીના દર્શન થાય છે અને તેની સામે જ માતા હિંગળાજજીની મૂર્તિ બીરાજમાન છે, જે સાક્ષાત વૈષ્ણો દેવી માતાનું રૂપ છે.

માતા હિંગલાજ દેવીની જાત્રા અઘરી છે કારણ કે રસ્તો ખૂબ જ પથરાળ છે અને આ રસ્તા પર દૂર દૂર સુધી કોઈ પણ ગામ આવતુ નથી. કરાંચીથી આશરે 10-12 મિલ ચાલીને એક નદી આવે છે. જ્યાંથી હિંગળાજ માતાની જાત્રા શરૂ થાય છે.

એક માન્યતા એવી પણ છે કે રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ હીંગળાજ દેવીની યાત્રા કરી હતી.
ભગવાન રામજીએ અહીં એક યજ્ઞ કર્યો હતો. આ જાત્રા દરમિયાન રસ્તામાં ઘણા તળાવ અને કુવા મળે છે. આગળ રેતીની એક સૂકી નદી છે. હિંગોળ પર પહોંચીને ભક્ત પોતાના માથાના વાળ કપાવીને પૂજા કરે છે અને જનોઈ પહેરે છે, ત્યારબાદ માતાજીનું ભજન ગાઈને પોતાની શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે. મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ કષ્ટ ઉઢાવવુ પડે છે. કારણ કે અહીંથી આગળ જવા માટે કોઈ માર્ગ નથી કે વાહનો પસાર થઇ શકે.

આ સમગ્ર ઇતિહાસ અને પૌરાણીક માન્યતાઓ જાણ્યા બાદ ગુજરાતમાં આવેલા જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની માન્યતા જેવુ છે ત્યાં કહેવાય છે કે અડી કડી નવઘણ કુવો જે ન જુવે તે જીવતો મુઓ, એટલે કે તમે ઉપરકોટનુ પરીભ્રમણ કર્યુ હોય, પરંતુ જો નવઘણ કુવો ન જોયો હોય તો તમે ડેલીએ હાથ દેયને પાછા ફરી ગયા હોય તેવુ ગણાય. તેવુ જ અહીં પણ મંદિરમાં આસ્થા ધરાવનારા ભક્તોનું તો કહેવું છે કે હિંદુઓ ભલે ચાર ધામની જાત્રા કરી લે કે પછી કાશી જઈને ગંગામાં સ્નાન કરી લે, પરંતુ જો તેઓ હિંગળાજ દેવીના દર્શન ન કરે તો તે બધુ જ વ્યર્થ છે.

Leave a Reply

Your email address will not be published.