/

વુમન્સ ડે ની ઉજવણી વચ્ચે રાજકોટમાં 13 દિવસથી જન્મ-મરણ વચ્ચેની લડાઇ લડી રહી છે “અંબા”

આજે રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ પંદર દિવસ પહેલા જન્મેલી બાળકી જન્મ અને મરણ વચ્ચેની લડાઇ લડી રહી છે. આ જન્મ અને મરણ વચ્ચેની લડાઈમાં વિશ્વભરમાં તેના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે પરંતુ કરૂણતા તો એ છે આ લડાઈમાં ખુદ તેના માતા-પિતા જ ગેરહાજર છે.

આપણે ત્યાં એવું કહેવાય છે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ જનનીની જોડ સખી નહી જડે રે લોલ… એક માતા પોતાના સંતાનો માટે પોતાનો જીવ પણ આપી દેતી હોય છે. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં માતાએ પોતાના વ્હાલસોયા દીકરા કે દીકરી માટે પોતાનું જીવતર પણ હોમી દીધું હોય. પરંતુ જ્યારે જન્મ આપનાર માતા જ પોતાની બાળકીને મરવા માટે છોડી દે તો પછી કહેવું જ શું. આવી જ ઘટના સામે આવી છે રાજકોટમાં. રાજકોટમાં 13 દિવસ પહેલા મહીકા અને ઠેબચડા ગામ ની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી.

108 ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108 ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ વધુ સારવાર અર્થે દીકરી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ દીકરી માટે ખાનગી હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જે બોર્ડમાં લોકો આ દીકરી માટે પ્રાર્થનાઓ લખી રહ્યા છે. તો બીજી તરફ આ દીકરી માટે સહાયનો ધોધ પણ વહી રહ્યો છે તો બીજી તરફ આ દીકરી સાજી થતા જ તેનો કબજો સંભાળવા તેની દેખભાળ રાખવા રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ સજ્જ હોવાનું જણાવી રહ્યા છે.

આજે જ્યારે રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરછોડાયેલી દીકરીના તારણહાર બનેલા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેના સાથી પોલીસ અધિકારીઓ સાથે આ દીકરી ની મુલાકાત લીધી હતી. આ દીકરીને અંબા નામ આપનાર બીજું કોઈ જ નહીં પરંતુ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છે. અંબા ને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતા જણાવ્યું હતું કે વ્હાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છુ.

Leave a Reply

Your email address will not be published.