///

કોંગ્રેસ સાંસદે કહ્યું, અંબાણી-અદાણી ગ્રુપે 53 એગ્રો કંપનીઓ કરાવી રજિસ્ટર

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન મામલે રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવા માટેની એક પણ તક ચૂકતા નથી. ત્યારે હવે કોંગ્રેસ સાંસદે અંબાણી અને અદાણીનું નામ લઈને કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે. જેમાં જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે આવેલા કોંગ્રેસ સાંસદ જેએસ ગિલે કહ્યું કે, થોડા મહિના પહેલા જ અંબાણી અને અદાણી ગ્રુપની 53 એગ્રો બેસ્ડ કંપનીઓ રજિસ્ટર્ડ થઈ ગઈ છે. જ્યાં સુધી ખેડૂતોનો અવાજ સાંભળવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ જ રાખશે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, ભાજપની નજરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો ખાલિસ્તાની છે. અંબાણી અને અદાણી મોદી સરકારના સૌથી સારા દોસ્ત છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, મોદી સરકાર માટે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર વિરોધી છે. ચિંતિત નાગરિક અર્બન નક્સલ છે. પ્રવાસી મજૂરો કોરોના ફેલાવનારા છે, દુષ્કર્મ પીડિતા કંઈ નથી અને આંદોલનકારી ખેડૂતો ખાલિસ્તાની છે. જ્યારે મૂડીવાદી તેમના સૌથી શ્રેષ્ઠ મિત્ર છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધીએ આંદોલન દરમિયાન મરનારા 11 ખેડૂતોને લઈને સરકારને પ્રશ્ન પૂછ્યા હતા. જેમાં રાહુલે કહ્યું હતું કે, પોતાના અધિકારો માટે ખેડૂતોએ હજુ કેટલા બલિદાન આપવા પડશે? કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર અન્નદાતાઓ સાથે નહીં, પરંતુ ધનદાતાઓ સાથે છે.

Leave a Reply

Your email address will not be published.