////

કોરોના સંક્રમણને કાબુમાં લાવવા AMCએ નવતર પ્રયોગ હાથ ધર્યો

રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે શહેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે, તેમ છતા લોકોની ભીડ જોવા મળી રહી છે. હવે કોરોના સંક્રમણને કાબુમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. AMC કોરોના સંક્રમણને રોકવા માટે ભીડભાડવાળા વિસ્તારમાં હવે બાઉન્સરને ઉભા રાખશે.

અમદાવાદમાં આવેલા કાલુપુર અને જમાલપુરમાં શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એક સાથે ઉમટી પડતા હોય છે, જેને કારણે કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ વધી જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહીને લોકોના ટેમ્પરેચર માપશે. સૌથી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ હાલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હાલ શહેરમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કે, હજુ પણ ઘણા લોકો એવા જોવા મળી રહ્યા છે જે થોડાક પૈસા બચાવવા માટે પોતાના જીવ જોખમમાં નાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.