////

ખાનગી હોસ્પિટલને ચૂકવાયેલા કરોડો રૂપિયાની માહિતી આપવાથી AMCની મનાઈ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશમાં કોરોના વાઈરસની વેક્સિનને લઈને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. તો કોરોનાથી રાજ્યના લોકોને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીના નવ મહિનાના સમયગાળામાં ખરીદીથી લઈ સારવાર પાછળ રૂ.500 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. આમાંથી એક મોટો હિસ્સો તો ખાનગી હોસ્પિટલમાં AMCના કવોટાના બેડ પર સારવાર લેનારા દર્દીઓ પાછળ ખર્ચ કરાયો છે.

આપને જણાવી દઈએ કે, AMC દ્વારા ખાનગી હોસ્પિટલને ચૂકવાયેલા કરોડોના બીલની માહિતી RTIમાં આપવાનું બંધ કરી દેવાયું છે. AMCમાં RTI કરો તો માહિતી આપવામાં આવતી નથી. આ અંગે AMCનો તર્ક છે કે, દર્દીની સારવાર અને તેનો ખર્ચ એ અંગત અને વ્યવસાયિક માહિતી હોવાથી આપી શકાય નહીં. ત્યારે અહીં પ્રશ્ન એ છે કે, AMCને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓ પાછળ કરાયેલો ખર્ચ છુપાવવામાં રસ કેમ પડ્યો છે. સાથે જ લોકોમાં પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે AMC દ્વારા કોરોનાકાળમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના કારણે માહિતી આપવામાં આના-કાની કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવેલાં કોરોનાના દર્દીઓના બિલ પેટે રૂ. 1.50 કરોડ હોસ્પિટલને લેવાના નિકળતાં હતા, જેનું બિલ ડૉ. અરવિંદ પટેલ પાસ કરે તે માટે ભૂયંગદેવ વિસ્તારની આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ વચેટિયાની ભૂમિકા ભજવીને 1.50 કરોડના 10 ટકા લેખે એટલે કે 15 લાખની લાંચની માગણી કરી હતી. જે અંગે સિમ્સ હોસ્પિટલના મેનેજમેન્ટે ACBમાં ફરિયાદ નોંધાવતા હલચલ મચી ગઈ હતી. આ અંગે શનિવારે ફરિયાદ નોંધાઈ તે જ દિવસે ACBએ ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં તપાસ શરૂ કરતાં હેલ્થ ખાતાના કેટલાંક તો રજા લઇને ત્યાંથી નીકળી ગયા હતાં. આ ઘટના બાદ તુરત જ ડૉ. અરવિંદ પટેલ સસ્પેન્ડ થશે તેવી ધારણા ઉભી થઇ હતી, જે આજે ઘટનાના ચોથા દિવસે સાચી પડી છે.

એક સામાજિક કાર્યકરે ગત ઓક્ટોબર મહિનાની 29 તારીખે AMC તંત્રમાં RTI કરી હતી. જેમાં તેઓએ AMCએ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર પાછળ કેટલો ખર્ચ કરાયો, કંઈ કંઈ ખાનગી હોસ્પિટલને કેટલા રૂપિયા ચૂકવાયા તે અંગેનો રેકોર્ડ આપો, માહિતી માંગી હતી. જોકે, AMCએ માહિતી આપવાની મનાઈ કરી દીધી હતી. વ્યાવસાયિક માહિતી અને દર્દીની અંગત બાબત જાહેર ન કરી શકાય તેમ કહી માહિતી આપવાની ના પાડી દીધી હતી.

કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવા, જુદી જુદી ‘કીટ’ સહીતની ખરીદી કરવી, હોસ્પિટલોના અને અન્ય કામગીરીના બિલો પાસ કરવા વગેરે તમામ બાબતોમાં ટકાવારી બોલાતી હોવાની ACBએ ફરિયાદ નોંધતા આ ખુલાસો થયો છે. જોકે કેટલાક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો આ અંગે RTI કરી માહિતી મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે પણ વિગતો જાહેર કરવાને બદલે છુપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.