અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે AMC હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે અનેક ટીમો ઉતારી ચેકિંગ હાથ ધરાયુ છે.
નોંધનીય છે કે, કોરોનાના કેસ વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ બુધવારે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.
દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતુ કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી નહતી. હવે જો ટ્રાફીક થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યું છે તો લોકો સહકાર આપે.
બુધવારે મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ટ્રાફીક થતાં બંધ કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.