///

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરવા AMCની નોટિસ

AMCના ઉત્તર ઝોનના પ્રોપર્ટી ટેક્સ ખાતાએ એરપોર્ટ ઓથોરિટીને ટેક્સ પેઠે બાકી નીકળતા રૂ. 19.81 કરોડની રકમ તાકીદે ભરવા નોટિસ ફટકારી છે. ત્યારે આ નાણાં સમયસર ભરવામાં નહિ આવે તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતની ઓફિસો સીલ કરવાની અને આગળ જતાં જપ્ત કરવાની ચેતવણી પણ આપી છે, જેમાં અદાણી ગ્રુપને એરપોર્ટ પીપીપી ધોરણે ચલાવવા આપવામાં આવે તે પહેલાં જ સર્વિસચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવાયું છે. ત્યારે આ નોટિસ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી તંત્ર દોડતું થઈ ગયું છે.

વર્ષ 2011થી સર્વિસ ચાર્જ – પ્રોપર્ટી ટેક્સની રકમ ચઢી ગઇ છે. જે રૂ. 22.56 કરોડને આંબી ગઇ છે. આ વચ્ચે એરપોર્ટ ઓથોરિટીએ આ પૈકી રૂ.2.75 કરોડની રકમ ભરી દીધી હોવાથી હાલ રૂપિયા 19.81 કરોડ લેવાના નીકળે છે. ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટના જમીનના સર્વે નંબરો પૈકી કેટલાંક નંબરો કેન્ટોનમેન્ટ ઓથોરિટીના છે, જ્યારે અન્ય સર્વે નંબરો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના છે. કેન્દ્ર સરકાર દ્વારા કચેરીઓ પાસેથી લેવાના થતા પ્રોપર્ટી ટેક્સના માટે સર્વિસ ચાર્જ શબ્દ વપરાય છે અને તે માટેનું ફેક્ટર પણ અલગ જ છે.

તો બીજી તરફ અદાણી ગ્રુપને ઇન્ટરનેશનલ એરપોર્ટ પીપીપી ધોરણે ચલાવવા ટૂંકમાં જ સોંપી દેવામાં આવનાર છે. આ અંગે મ્યુનિસિપલ તંત્રએ નોટિસમાં જણાવ્યું છે કે, તમે આ બાકી નીકળતા નાણાં ભરી દો અથવા અદાણીને એરપોર્ટની સોંપણી વખતે અન્ડર ટેકીંગ આપો કે તેઓ બાકી નીકળતી ટેક્સની રકમ ભરી દેશે. આમ નહીં કરો તો પછી મ્યુનિસિપલ તંત્રએ જીપીએમસી એક્ટ હેઠળ આગળના પગલાં લેવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published.