///

અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના પેજ પ્રમુખ

ભાજપમાં દિગ્ગજ નેતાઓના પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખની ટકોર બાદ હવે એક પછી એક નેતાઓ પોતાના વોર્ડના પેજ પ્રમુખ બની રહ્યાં છે. ત્યારે હવે આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નામ ઉમેરાયું છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર 10ના એક પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવા પણ પેજ પ્રમુખ બની ચૂક્યા છે.

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં મિશન 182 ઘડાયું છે. લોકસભામાં ભાજપે એક વખત નહીં સતત બે વખત મિશન 26 પાર પાડીને એ બતાવી આપ્યું છે કે બૂથ મેનેજમેન્ટથી ચૂંટણીઓમાં 100 ટકા પરિણામ મેળવી શકાય છે. વર્ષ 2014માં અને વર્ષ 2019માં ગુજરાત ભાજપે લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી લીધી હતી. આવો જ ચમત્કાર ગુજરાત ભાજપના સુકાની સીઆર પાટીલ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરવા માગે છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠમાંથી આઠ બેઠકો જીતીને સીઆર પાટીલ એ સાબિત કરી ચૂક્યા છે કે ચૂંટણી જીતવામાં પેજ પ્રમુખની ભૂમિકા કેટલી મહત્વની હોય છે. એટલે જ સીઆર પાટીલે નેતાઓને પેજ પ્રમુખ બનવાની ટકોર કરી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પેજ પ્રમુખ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોય કે રૂપાણી સરકારના કેબિટને મંત્રીઓ હોય, ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો જ કેમ ના હોય… તેઓ મોદી સરકારની કેબિનેટમાં જ કેમ ના હોય… તમામ માટે પેજ પ્રમુખ બનવું ફરજિયાત છે. એટલું જ નહિ, સીઆર પાટીલે પેજ પ્રમુખની જવાબદારી પણ નક્કી કરી છે. જે પેજ પ્રમુખ પોતાના વૉર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તેને જવાબ આપવો પડશે. આ વાત કાર્યકરોને તાલીમ આપતી વખતે સીઆર પાટીલ વારંવાર કહી ચૂક્યા છે. ત્યાં સુધી કે વોર્ડમાં પેજ પ્રમુખનું પરફોર્મન્સ સારું નહીં હોય તો તે નેતાની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ કટ થઈ શકે છે. મતલબ કે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માટે પેજ પ્રમુખની કામગીરી કોઈ પણ પદ જેટલી જ મહત્વની છે. જો તે નિભાવવામાં કોઈ ઉણા ઉતરશે તો પાર્ટી જવાબ માગશે.

સીઆર પાટીલે તમામે તમામ 182 વિધાનસભા બેઠકો, 33 એ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાતનાં અઢાર હજાર ગામડાંઓમાં આગામી એક અઠવાડિયામાં પેજ પ્રમુખની કામગીરી બાકી રહી ગઈ હશે તે પૂર્ણ કરાશે.

Leave a Reply

Your email address will not be published.