////

મમતાના ગઢમાં અમિત શાહ બે દિવસના પ્રવાસે, ખેડૂતના ઘરે કર્યુ ભોજન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ પર છે, ત્યારે તેઓ કોલકાતા પહોચ્યા છે. ત્યારે તેમણે મિશન બંગાળની શરૂઆત રામકૃષ્ણ આશ્રમમાં જઇને કરી હતી, અહી તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તે સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોસના ઘરે ગયા હતા અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, અહી તેમણે કહ્યું કે, ખુદીરામ બોસના ઘરે જઇને નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું.

ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના નેતાઓ સાથે મિદનાપુરમાં ખેડૂત સનાતન સિંહના ઘરે ભોજન કરવા પહોચ્યા હતા. અમિત શાહે ખેડૂતના ઘરે એવા સમયે ભોજન કર્યુ જ્યારે દિલ્હીમાં છેલ્લા 23 દિવસથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ગૃહપ્રધાને કહ્યું કે, બંગાળની માટીને કપાળ પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળ અને બંગાળીઓનું યોગદાન કોઇ ભુલાવી નથી શકતું. ખુદીરામ બોસે માત્ર 18 વર્ષની ઉંમરમાં દેશ માટે જીવ આપી દીધો હતો, તે સમયે કેટલાક યુવા ધોતી પર તેમનું નામ લખવા લાગ્યા હતા.

અમિત શાહે વધુમાં કહ્યું કે, આ સંયોગ જ છે કે આજના દિવસે રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રોશન સિંહ અને રાજેન્દ્ર નાથ લાહિડીને પણ ફાંસી આપવામાં આવી હતી. યુવાઓને કહેવા માંગુ છું કે, દેશ માટે મરવાની તક તો ના મળી પણ દેશ માટે જીવવાની તક જરૂર મળી. ખુદીરામ બોસના સિદ્ધાંતો પર ચાલીને અમે ભવિષ્યનું કામ કરીશું.

ખુદીરામ બોસ જેટલા બંગાળના હતા, એટલા જ ભારત માટે હતા. બિસ્મિલ જેટલા યુપીના હતા એટલા જ ભારતના હતા. બંગાળમાં જેવી ખરાબ રાજનીતિ જોવામાં આવી રહી છે તેવી પહેલા ક્યારેય નથી જોઇ. અમિત શાહ સાથે પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ અને કૈલાશ વિજયવર્ગીય પણ હતા.

Leave a Reply

Your email address will not be published.