ખેડૂતો દ્વારા કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધને પગલે કેન્દ્ર સરકારે બુધવારે બેઠક કરી હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહે પોતાના આવાસમાં કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને રેલ પ્રધાન પીયૂષ ગોયલ સાથે ચર્ચા કરી હતી. આ અંગે મળતી જાણકારી અનુસાર પ્રધાનોએ ખેડૂતો સાથે થયેલી ચર્ચા પર મંથન કર્યું હતું.
ખેડૂતોએ દિલ્હી અને નોઈડા વચ્ચે એક તરફનો રસ્તો ખોલી નાખ્યો છે. હવે દિલ્હીથી મયૂર વિહારના રસ્તે નોઈડા જઈ શકાશે. ખેડૂતોના આંદોલનના કારણે રસ્તાઓ પર જોરદાર ટ્રફિક જામ જોવા મળી રહ્યો છે જેને લઈને કેટલાક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે ખેડૂતોના આંદોલનને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવ્યું છે. ત્યારે હવે સરકાર ગમે તેમ કરીને આંદોલનને ઠંડુ પાડવા માટે પ્રયાસ કરી રહી છે. કેટલાક અહેવાલોમાં સૂત્રો દાવા કરી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોને સમજાવવા માટે કેટલાય મંત્રાલયોના અધિકારીઓની યાદી તૈયાર કરી રહી છે.
જોકે ખેડૂત અને સરકાર વચ્ચે મંગળવારે જ ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં કોઈ પરિણામ આવી શક્યું નહીં. જે બાદ ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર રીતે ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ છે એક સમિતિની રચવા થાય જે બાદ ખેડૂતોએ તે પ્રસ્તાવ પણ ફગાવી દીધો. હવે ગુરુવારે વધુ એક બેઠક થવાની છે.
તો બીજી બાજુ ખેડૂતોએ પોતાનું આકરું વલણ દર્શાવતા કહ્યું છે કે, જો તેમની માંગ પુરી કરવામાં ન આવી તો દિલ્લીમાં આવશ્યક વસ્તુઓની અછત સર્જાઈ શકે છે. આ મુદ્દે જીંદ ખાપ પંચાયતે સરકારને ચેતવણી આપી છે. ત્યારે હવે 3 ડિસેમ્બરની બેઠકમાં પર સૌએ મીટ માંડી છે. ખેડૂતોએ કહ્યું છે કે, જો 3 ડિસેમ્બરે સમાધાન નહીં થાય તો તેના વરવા પરિણામો આવશે. જો સરકાર તેમની માંગ પુરી નહીં કરે તો દૂધ-ફળ-શાકભાજી બંધ કરી દેવામાં આવશે.