///

દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવી

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે, દેશમાં અન્ય જગ્યાએ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં રોજ નવા કેસ આવી રહ્યાં છે. દિવાળીની સાંજે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાના હિસાબે એક દિવસમાં દિલ્હીમાં કોરોના સંક્રમણના 7340 કેસ સામે આવ્યા હતાં.

રોજ વધતા કોરોનાના કેસ બાદ દિલ્હી સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઇ છે. કોરોનાને લઇને ગૃહપ્રધાન અમિત શાહે આજે રવિવારે સાંજે 5 કલાકે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામેલ થશે.

મળતી માહિતી અનુસાર ઉપરાજ્યપાલ અને ગૃહપ્રધાન સિવાય દેશના સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ સામેલ થશે. બેઠકમાં દિલ્હીના અન્ય અધિકારીઓ સામેલ થશે. ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક ગૃહ મંત્રાલયમાં જ થશે. મહત્વનું છે કે, છેલ્લા થોડા દિવસમાં આવેલા કેસના આંકડાને કારણે સરકાર પણ ચિંતામાં આવી ગઇ છે.

નોંધનીય છે દિવાળીની સાંજે આવેલા આંકડા મુજબ દિલ્હીમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 7340 નવા કેસ નોંધાયા છે. જ્યારે 96 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત 7117 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 4,82,170 પર પહોંચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.