////

હવે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સરળતાથી મળી જશે Amphotericin ઈન્જેક્શન

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીનું સંકટ વધી રહ્યું છે, ત્યારે આ બીમારી સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. ત્યારે રેમડિસિવીરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળતાથી દર્દીઓના સગાને મળી રહે તે અંગે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદમાં બે સ્થળોથી દર્દીઓના સગાઓને ઇન્જેક્શન મળશે. સોલા સિવિલ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ સોલા હોસ્પિટલ ખાતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનો જથ્થો પહોંચ્યો નથી.

એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓના સ્વજનોએ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જેમ કે, દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની નકલ, મ્યુકરમાઇકોસિસના નિદાનની નકલ, સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ ખરાઈ કર્યા બાદ જ એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન નિશ્ચિત કરાયેલી હોસ્પિટલથી દર્દીના સગાને મળી શકશે.

આ ઉપરાંત સરકારે 3.15 કરોડના ખર્ચે પાંચ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. GMSCL દ્વારા અમદાવાદમાં આવેલી સોલા સિવિલ, SVP હોસ્પિટલ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા ખાતે આવેલી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનું વિતરણ કરાશે.

મહત્વનું છે કે, મ્યુકોરમાઇકોસિસના અગાઉ વર્ષ બે ચાર કેસ નોંધાતા હતા, પરંતુ કોવિડના સમયમાં જે દર્દીઓ ડાયાબિટિક હતા અને સ્ટીરોઇડ દવાઓ અપાઇ હતી, તેઓની ઇમ્યુનિટિ ઓછી થતા આ રોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published.