///

નાયબ મુખ્યપ્રધાનની જાહેરાત, રાજ્યના ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો

ઇન્ટર્ન તબીબો અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વચ્ચે બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં ઇન્ટર્ન તબીબોના હકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે સરકારે ઇન્ટર્ન તબીબોના વેતનમાં વધારો કર્યો છે.

ઇન્ટર્ન તબીબોના પક્ષમાં નિર્ણય કરતા ઇન્ટર્ન ડોક્ટરોને હવેથી 18,000 રૂપિયા વેતન આપવામાં આવશે. આ પહેલા 12,800 રૂપિયા વેતન મળતું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઇન્ટર્ન ડોક્ટરોએ પોતાની માગોને લઇને હડતાલ શરૂ કરી હતી. નીતિન પટેલે વિશ્વાસ અપાવતા ઇન્ટર્ન તબીબોએ હડતાલ સમેટી હતી.

રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉક્ટર વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યાં હતાં. તેમની માગ હતી કે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું ચૂકવવામાં આવે છે. ત્યારે સરકાર ઈન્ટર્ન ડૉક્ટરોને 12 હજાર 800 સ્ટાઈપેન્ડ પેટે ચૂકવે છે. પરંતુ હવે સરકાર 20 હજાર સ્ટાઈપેન્ડ ચૂકવે તેવી માગ સાથે રાજ્યના ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયાં હતાં.

આ સમગ્ર માગ વચ્ચે નાયબ મુખ્યપ્રધાને પહેલા કહ્યું હતુ કે હડતાળ ગેરવ્યાજબી છે. તેઓએ ઈન્ટર્ન તબીબોને હડતાળ નહીં સમેટાય તો તેમની ફરજમાં ગેરહાજરી પુરવાની ચીમકી પણ આપી હતી. પરંતુ બાદમાં હડતાળના ત્રીજા દિવસે નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોની માંગણીઓનો ઉકેલ લઇ આવવાની ખાતરી આપતાં હડતાળ સમેટાઈ હતી.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આંદોલન કરી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરો સરકાર સામે સ્ટાઈપેન્ડ વધારા માટે આંદોલન કરી રહ્યાં હતાં. આ ઈન્ટર્ન ડૉક્ટરોની માગ પ્રમાણે ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તેમની જે માગ છે તેમાં પણ દેશના બીજા રાજ્યો કરતાં 50થી60 ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ છે. દેશના બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં 28,500, મહારાષ્ટ્રમાં 39 હજાર જ્યારે દિલ્હીમાં મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં માત્ર 12 હજાર 800 રૂપિયા અપાય છે. જેમાં AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન તરીકે રૂપિયા 500 આપે છે

Leave a Reply

Your email address will not be published.