///

નિવૃત્ત ખેલાડીઓને રોજગારી આપવા માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય

રમતમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓની આર્થિક સ્થિતિ સારી નથી હોતી તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. આ કારણે તેઓએ છેલ્લી જિંદગીમાં પણ ખૂબ સંઘર્ષ કરવો પડતા હોય છે.

આ વચ્ચે નિવૃત્ત ખેલાડીઓની મદદે હવે સરકાર આવી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું છે કે, સરકાર નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી પૂરી પાડવા માટે દેશભરમાં એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્ર ખોલશે.

રિજિજુએ જણાવ્યું કે, અમે દેશમાં એક હજાર ખેલો ઈન્ડિયા લઘુ કેન્દ્ર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી મેળવવામાં અને દેશમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ કરવામાં મદદ મળી રહેશે.

સતત સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓ અંગે તેઓએ કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી મુસીબતમાં મૂકાય છે. ત્યારે તેનાથી ભાવિ પેઢીઓ પણ નિરાશ થાય છે. સરકાર આ માટે ઘણી યોજનાઓ વિચારી રહી છે. ખેલાડીઓ અને લાભાર્થીઓ પાસે કોઈ પ્રકારના વિઘ્ન કે વિલંબ વગર સરકાર તરફથી મળનારી પુરસ્કાર રકમ, નાણાકીય સહયોગ પહોંચે તે માટે એક ફૂલપ્રૂફ યોજના બનાવવામાં આવી રહી છે.

રિજિજુએ આ પ્રસંગે તમામ પ્રતિષ્ઠિત કોર્પોરેટ હાઉસને પણ દેશમાં ખેલ પ્રેમી સમાજના નિર્માણમાં શક્ય હોય તે મદદ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર તમામ ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ હોય તેવું ઈચ્છે છે, પણ આપણા દેશમાં હજુ ખેલજગતને પ્રેમ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકોના પ્રયત્નો, લોકોની ભાગીદારીથી જ સરકાર તેનું આ લક્ષ્ય મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published.