////

મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધતા અમદાવાદ સિવિલમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો

રાજ્યમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી સાજા થયેલા લોકોમાં મ્યુકોરમાઈકોસિસ જોવા મળે છે. હવે સરકાર અને તંત્ર સામે નવો પડકાર ઉભો થયો છે. મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતાં હાલ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકર એક્સપર્ટ કમિટી કાર્યરત કરવામાં આવી છે.

મ્યુકોરમાઈકોસિસના કેસોમાં સતત વધારો જોવા મળ્તા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર એક્સપર્ટ કમિટી કાર્યરત કરવામાં આવી છે. જેમાં મેડીસિન વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને ઇ.એન.ટી વડા ડૉ.બેલા પ્રજાપતિને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. બીજા અન્ય વિભાગોના વડાઓને પણ કમિટીમાં લેવામાં આવ્યા છે. ડેન્ટલ હોસ્પિટલના પ્રોફેસર એન્ડ હેડ ડૉ.સોનલ આંચલિયાનો પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધ્યો છે, ત્યારે મ્યુકોરમાઈકોસિસને લઈને સિવિલ સર્જન આર.એસ.ત્રિવેદીનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં આ બીમારીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા કરવામાં આવી છે. દરરોજ 30થી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને રીફર કરવાની આજથી શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન માટે હવે સેન્ટ્રલ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકારમાંથી પરિપત્ર આવી ગયો છે અને ત્રણ તબીબોની કમિટીની રચના પણ કરવામાં આવી છે. રેમડેસીવિરની જેમ હવે મેડિકલ સ્ટોરમાંથી મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શન નહિ મળે. આવતીકાલે ઇન્જેક્શનનો મોટો જથ્થો આવતા પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી રહ્યા છે.

કોરોનાથી સ્વસ્થ થયેલા અનેક દર્દીઓ હાલના દિવસોમાં મ્યુકોરમાઈકોસિસ નામના ગંભીર ફંગલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યાં છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ હાલના દિવસોમાં બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આમાંથી મોટાભાગના દર્દીઓ એવા છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા હોય અને સારવાર દરમિયાન તેમને સ્ટોરોઈડ જેવી દવાઓ આપવામાં આવી હતી.

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસની સારવારમાં કારગર “એમ્ફોટેરીસિન-બી”નામના ઈન્જેક્શનની કમીને જોતા સરકારે સવા ત્રણ કરોડના ખર્ચે 10 હજાર ઈન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. સરકારે ઈન્જેક્શનની કાળાબજારી રોકવા માટે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરની 7 હોસ્પિટલોમાં જ આ ઈન્જેક્શન વેચવાની મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.