////

વાઇરલ થયેલા વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા છે : ચૂંટણી અધિકારી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મામલે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જણાવ્યું કે, ‘ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. હજુ સુધી કોઇ લેખિત ફરિયાદ નથી મળી. મતદારોને અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા કરાઇ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે મોરબીમાં ભાજપની પત્રિકા વહેચવા મામલે પોલીસને તપાસની સૂચના અપાઇ છે. આ ઉપરાંત મીડિયામાં આવેલા વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. જેમાં મીડિયાના માધ્યમથી 2 વીડિયો અંગે માહિતી મળી છે.’

વધુમાં જણાવ્યું કે, ‘લીંબડીના ગેડીમાં બોગસ મતદાન નથી થયું. ગેડીમાં બોગસ મતદાન અંગે રિપોર્ટ માંગ્યા છે. પ્રથમ વાર ગેડીમાં બોગસ રીતે મતદાન થયું હોવાનું સામે નથી આવ્યું, પરંતુ આ અંગેનો રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યાં છીએ. કરજણની ઘટના અંગે પણ યોગ્ય પગલાં લેવાશે. આ અંગે કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે.’

ઉલ્લેખનીય છે કે, કરજણની પેટાચૂંટણીને લઇને રૂપિયા આપ્યા હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વહેંચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો હોવાનું અનુમાન છે.

નોંધનીય છે કે આ ઉપરાંત બીજી બાજુ પણ કરજણની પેટાચૂંટણીમાં રૂપિયા વહેંચતા કોંગ્રેસના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૂપા ગામ નજીકથી 2 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મિત પટેલ હજુ ફરાર છે. 57 હજાર રોકડ રૂપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.