///

તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં તેલની નદી વહી, લોકોએ ચલાવી લૂંટ

વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર કાચુ કપાસિયા તેલ ભરેલું ટેન્કર પલટી મારતા હાઈવે પર તેલની નદી વહેતી થઇ હતી. જેના પગલે લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવી હતી.

ઓમ પ્રકાશ માલી અકોલા (મહારાષ્ટ્ર) ખાતેની ખાનગી કંપનીમાંથી 32 ટન ઉપરાંતનું કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા. તે દરમિયાન વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેન્કરે જોખું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો.

ડ્રાઇવરે ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે 32 ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

મહત્વનું છે કે હાલ બજારમાં તેલના ભાવ આસમાને છે સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે. ત્યારે કપાસિયા તેલ ભરેલા ટેન્કરે પલટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો આભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી. ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકોએ કપાસિયા તેલ Cottonseed oil ની નદી વહેતી જોઈ ડબલા ભરી ભરીને તેલ લઈને રવાના થઈ ગયા હતા.

બનાવમાં ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી, પરંતુ ટેન્કરે પલટી મારતા કંપનીએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવનાર લોકો વિરુદ્ધ ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.