////

કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેતી વૃદ્ધા પર વોર્ડબોયે દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલના કોવિડ હોસ્પિટલમાં મહિલા દર્દી પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યું છે. 60 વર્ષીય વૃદ્ધા પર વોર્ડબોય કમ અટેન્ડન્સ PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ સાથે જ વોર્ડબોય હિતેશ વિનુભાઈ ઝાલાની અટકાયત કરવામાં આવી છે.

રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયું હતું. તેથી તેમને કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. ભોગ બનનાર વૃદ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો પણ તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા હોવાથી તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. ત્યારે આ વોર્ડમાં કામ કરતો વોર્ડબોય હિતેશ ઝાલા તેમની પાસે આવ્યો હતો.

બદઈરાદા આવેલા હિતેશે પહેલા તો વૃદ્ધાનું માથુ દબાવી આપવાનું બહાનુ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. ભોગ બનનાર વૃદ્ધાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી. વોર્ડની બધી લાઈટો બંધ કરી તેણે વૃદ્ધા સાથે આ ક્રૂત્ય કર્યુ હતું. આ સાથે જ ભોગ બનનાર બૂમો ન પાડે તેથી ઓક્સિજનના માસ્કથી મોંઢે ડૂમો દઈ દીધો હતો.

આ કૃત્ય બાદ વૃદ્ધા બહુ જ ડરી ગયા હતા. તેથી તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનોને વાત કરી હતી. પરિવારે ઘટનાની જાણ થતા જ પોલીસને બોલાવી હતી. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા. પોલીસે તે વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી. જેમાંથી મહિલાએ હિતેશ ઝાલાને ઓળખી બતાવ્યો હતો. આખરે વૃદ્ધાના આક્ષેપ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published.