////

અમેરિકામાં જનરલ સ્ટોર્સ ચલાવતા આણંદના યુવકની અશ્વેતોએ હત્યા કરી

અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં જનરલ સ્ટોર્સ ચલાવતા ગુજરાતી વેપારીની લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક કિંશૂક પટેલ આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની હતા. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે બે અશ્વેત આરોપીઓની ઓળખ કરી લીધી છે, જેમણે મંગળવારે રાત્રે લૂંટ સાથે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. 35 વર્ષીય કિંશૂક પટેલ ન્યૂયોર્કમાં પિતા, પત્ની અને બે પુત્રો સાથે રહેતા હતા.

ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા મુજબ, સ્ટોર્સના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કિંશૂક સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન બે અશ્વેત યુવકો અંદર આવ્યા અને કોઈ સામાન માંગે છે. કિંશૂકે સ્ટોર બંધ થવાની વાત કહેતા ઉશ્કેરાયેલા એક યુવકે તેના માથામાં બોથડ પદાર્થથી વાર કરી દીધો. જેના કારણે કિંશૂક બેભાન થઈને ઢળી પડે છે. ત્યાર બાદ બન્ને લૂંટારાઓ કિંશૂક પાસેથી કેશ અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ જાય છે.

જોકે કિંશૂકે ઘરે આવતા પહેલા ફોન કર્યો હતો, પરંતુ બે કલાક સુધી તે ઘરે ના પહોંચતા પરિવારે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઈલ સ્વિચ ઑફ આવતો હતો. ત્યાર બાદ કિંશૂકના પિતાએ ન્યૂયોર્કમાં જ રહેતા એક સબંધીને ફોન પર જાણ કરતા તેઓ સ્ટોર પર પહોંચ્યા હતા, જ્યાં કિંશૂક લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. એમ્બ્યુલન્સ બોલાવીને કિંશૂકને હોસ્પિટલ લઈ જવાયા, તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

વર્ષ 2021 ફેબ્રુઆરીમાં લગ્ન પ્રસંગે કિંશુક ભાદરણ આવ્યો હોવાનું કહેતાં મૃતકના કાકા પરિમલ પટેલે જણાવ્યું હતું કે, કિંશુક મળતાવડા સ્વભાવનો હતો. બધા સાથે હળી મળીને રહેતો હતો. ગત ફેબ્રુઆરીમાં લગ્ન પ્રસંગે તે ખાસ હાજર રહ્યો હતો અને આ મુલાકાત અમારા માટે તેની આખરી મુલાકાત બની રહી હતી.

Leave a Reply

Your email address will not be published.