///

ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે 8 બાળકોનો લીધો ભોગ

ગુજરાત રાજ્યમાં એકબાજુ કોરોનાની મહામારીનો કહેર યથાવત છે, ત્યારે હવે રાજ્યમાં નવા રોગ સામે આવતા સ્થાનિક આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં બનાસકાંઠા તેમજ આણંદ જિલ્લામા ડિપ્થેરિયા નામના જીવલેણ રોગ સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં 4 બાળકોના ડિપ્થેરિયાથી શંકાસ્પદ મોત સામે આવ્યા છે, તો આણંદ જિલ્લામાં 4 બાળકોના ડિપ્થેરિયાથી અને એક બાળકનુ શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત નિપજ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં દોઢ બે મહિનાથી ડિપ્થેરિયાએ માથુ ઉંચક્યુ છે અને બાળકોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીઓએ થરાદ હોસ્પિટલની મુલાકાત પણ લીધી છે. સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોની પણ મુલાકાત લીધી છે. હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવાની પણ સ્ટાફને ટકોર કરી છે.

આ સાથે જ બનાસકાંઠાના ધાનેરામાં THOને ડિપ્થેરિયા કેસોમાં લાપરવાહી દાખવવા બદલ હોદ્દા પરથી હટાવીને PHCમાં મૂકાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા THO પી.એમ ચૌધરીને હોદ્દા ઉપરથી હટાવી આલવાડા PHCમાં મેડિકલ ઓફિસર તરીકે મૂકાયા છે. ધાનેરામાં થોડા સમય પહેલા ડિપ્થેરિયાના કેસો આવતા THOને કારણદર્શક નોટિસ અપાઈ હતી, છતાં પણ THOએ કોઈ જ જવાબ ન આપતાં આ કાર્યવાહી કરાઈ છે.

તો બીજી બાજુ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા છે. તો પાંચમુ બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત થયું હોય તેવું નિદાન છે. મૃત પામનાર બે બાળકોમાં એક જ પરિવારના ભાઈ-બહેન પણ હતા. જેમાં 11 વર્ષની બહેનનું મોત પહેલા નિપજ્યું હતુ, જેના બાદ ચાર વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.