////

ક્રાઇમને અટકાવવા માટે રાજકોટમાં વધુ એક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

ઓર્ગેનાઇઝ ક્રાઇમને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ગુજસીટોકનો વધુ એક ગુનો રાજકોટ શહેરમાં નોંધાયો છે. રાજકોટ શહેરમાં થતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અટકાવવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે એજાજ ખીયાણી, ઇમરાન મેણું સહિત 11 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપી એજાજ ખીયાણી અને તેની ટોળકી દ્વારા 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચરવામાં આવ્યા છે. જે અંગે હાલમાં પોલીસે ઇમરાન મેણું સહિત 6 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એજાજ ખીયાણી ફરાર છે, જેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને જેલમાં રહેલા 3 આરોપીઓનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ એજાજ ખીયાણી હાલ ફરાર છે. ગઇકાલે આરોપી મુસ્તફા અને માજીદ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PSI કે.ડી.પટેલને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ પોલીસે સમગ્ર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીઓ દ્વારા નાના માણસોને દબાવી ધાક ધમકી આપી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી એજાજ ખીયાણી સામે 12 ગુના, રાજન ખીયાણી સામે 10 ગુના, ઈમરાન મેણું સામે 9 કેસ, મુસ્તફા ખીયાણી સામે 5 કેસ, યાસીન ઉર્ફે ભૂરો સામે 7 ગુના નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય તમામ આરોપીઓ સામે 3થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.હાલ પોલીસે આ મામલે ઇમરાન મેણું સહિત 6 આરોપીઓની ધરપકડ કરી અને પકડાયેલા શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.