///

ભારતની વધુ એક ફાર્માં કંપની પર થયો સાયબર એટેક

કોરોના મહામારીને હરાવવા માટે વિશ્વભરની કંપનીઓ અત્યારે વૅક્સીન બનાવવામાં લાગી ગઈ છે. ત્યારે અનેક કંપનીઓએ તો વૅક્સીનના અંતિમ તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધુ છે. જો કે જેમ-જેમ આ વૅક્સીન પર કામ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ અનેક ફાર્મા કંપનીઓ પર સાયબર એટેકનું જોખમ પણ વધી રહ્યું છે.

ત્યારે હવે હેકર્સના નિશાના પર ભારતીય ફાર્મા કંપનીઓ છે. 15 દિવસ પહેલા જ ડૉ રેડ્ડીઝ લેબ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. હવે મુંબઈની ફાર્માસ્યૂટિકલ કંપની લુપિન પર પણ આજ પ્રકારનો એટેક કરવામાં આવ્યો છે. ફાર્મા સેક્ટર સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, વૅક્સીનને લઈને જે સાયબર એટેક અત્યાર સુધી પશ્ચિમી દેશો પૂરતા સિમિત હતા, તે હવે મહામારી વકરવા સાથે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યાં છે. ભારતની ફાર્માં કંપનીઓ હાલના સમયમાં કોરોના વૅક્સીનના ગ્લોબલ સપ્લાય ચેનનો એક ભાગ છે. એવામાં હેકર્સે તેના પર ટાર્ગેટ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે, વૅક્સીન અને તેના સપ્લાયની ચેનની જાણકારી મેળવવા માટે હૈકર્સ સાયબર એટેકને અંજામ આપી રહ્યાં છે. ત્યારે આ અંગે ભારતની એક વૅક્સીન ફર્મના અધિકારીના જણાવ્યા પ્રમાણે, દેશની મોટાભાગની ફાર્મા કંપનીઓ પોતાના ડૉક્યુમેન્ટ અને ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા ડેટા ગત દાયકામાં ડિજિટલ સ્પેસમાં નાખી ચૂકી છે. ગત વર્ષે જ આ ડિજિટલાઈઝેશનનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે સાયબર સિક્યોરિટીની સર્વિસ પૂરી પાડતી સંસ્થા કાસ્પરસ્કાઈએ સાયબર એટેક માટે ભારતને વિશ્વમાં સૌથી વધું સંવેદનશીલ દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં દવા બનાવનારી કંપનીઓ સાયબર એટેકરના ટાર્ગેટમાં છે.

જો કે મહત્વનું છે કે, ડૉક્ટર રેડ્ડીઝ લેબની જેમ લુપિન કોઈ વૅક્સીન ટ્રાયલનું કામ નથી કરી રહી. અત્યાર સુધી બન્ને કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, સાયબર એટેકના કારણે તેમના રૂટિન કામમાં કોઈ અસર નથી થઈ.

Leave a Reply

Your email address will not be published.