///

પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી લહેર આવી શકે છે : WHOની ચેતવણી

વિશ્વમાં કોરોનાનો હાહાકાર દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે આ અંગે WHOના રિજનલ ડિરેક્ટર અહમદ અલ મંધારીનું કહેવું છે કે, પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેર આવી શકે છે. તો બીજી બાજુ ઠંડીનું આગમન થતાંની સાથે સમગ્ર પશ્ચિમ એશિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સંક્રમણના કારણે મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આ દેશોએ પ્રતિબંધોને વધારે કડક કરીને બચાવના પગલાં ઉઠાવવા જરૂરી છે.

આ ઉપરાંત એશિયા પેસિફિકના દેશોએ પ્રારંભમાં આકરા લોકડાઉન લાગુ કર્યા હતા, પરંતુ હવે તેમાં ઢીલાશ દાખવી રહ્યા છે. આ રોગચાળાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી લઈને માસ્ક લગાવવા સુધીની બાબતનું આ ક્ષેત્રમાં પૂર્ણપણે પાલન થઈ રહ્યું નથી. છેલ્લા નવ મહિનામાં સંક્રમણના કારણે લગભગ 36 લાખથી વધારે લોકો બીમાર થયા છે. તેની સાથે જ 76 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.

જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે, જ્યારે મોતનો આંકડો અઢી લાખને વટાવી ગયો છે. ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા આગામી મહિનાઓમાં એક કરોડ પર પહોંચી શકે છે. શિયાળામાં જો કોરોનાની બીજી લહેર આવે તો આ આંકડાઓમાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે. આમ દેશમાં રસી પહોંચે નહીં ત્યાં સુધી લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કરવુ જોઈએ. જો તેઓ તેમ નહીં કરે તો ગંભીર સ્થિતિમાં મૂકાઈ શકે છે અને બીજાને પણ તેમા મૂકી શકે છે.

અમેરિકા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમેરિકનોએ જો આગામી ક્રિસમસમાં ધ્યાન નહીં રાખ્યુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્કના નિયમોનું પાલન ન કર્યુ તો કોરોનાના મોરચે અમેરિકાની સ્થિતિ વધુ વકરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.