///

એન્ટાલિયા કેસ: મનસુખ હિરેન મોત મામલે હવે NIA કરશે તપાસ

મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટાલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળવાની તપાસ બાદ હવે કારના માલિક મનસુખ હિરેનના મોત મામલે પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તપાસ કરશે. ત્યારે NIAની ટીમે મહારાષ્ટ્ર ATSના હાથમાંથી મનસુખ હિરેન મોત કેસની તપાસ પોતાના પાસે લઈ લીધી છે. 5 માર્ચે સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો.

મનસુખ હિરેનના મોત મામલે મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ સચિન વાઝે સહિત 25 લોકોની પૂછપરછ કરીને તેમના નિવેદન લીધા છે. સાથે જ કારના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોત પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જેમાં સચિન વાઝે પર પણ શંકાની સોય છે. જેમને તાજેતરમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચથી હટાવી લેવામાં આવ્યા હતા અને પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હિરેનની પત્નીએ વાઝે પર તેમના પતિની મોતમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ અંગે ATSના એક અધિકારીએ જણાવ્યું કે, ડાયટમ તપાસ રિપોર્ટ દર્શાવે છે કે, જ્યારે હિરેન પાણીમાં પડ્યા હતા, ત્યારે તેઓ જીવિત હતા. તેમના ફેફસામાં પાણી ઘૂસવાનું જાણવા મળ્યું છે. અમે આ ડાયટમ બોન સેમ્પલ હરિયાણા સ્થિત લેબમાં મોકલી આપ્યા છે. તપાસકર્તાઓને ડાયટમ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ મળી ગયો છે, પરંતુ તે નિર્ણાયક નથી. વિસરા, બ્લડ સેમ્પલ, નખ ક્લિપિંગના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ ઉપરાંત ATSના DIG શિવદીપે ડાયટમ બોન સેમ્પલ હરિયાણા સ્થિત લેબમાં મોકલવાની પુષ્ટિ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ATSએ 3 ડૉક્ટરોના નિવેદન નોંધશે, જેમણે કાલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં હિરેનનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ સંદર્ભે અન્ય એક અધિકારીએ કહ્યું કે, ઈન્વેસ્ટિગેશન ટીમ એ વાતની પણ તપાસ કરશે કે, પોસ્ટ મોર્ટમ સમયે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિવ વાજે હોસ્પિટલમાં કેમ હાજર હતા?

નોંધનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત આવાસ “એન્ટાલિયા” નજીક 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો અને ધમકી ભરેલા પત્ર સાથે એક સ્કોર્પિયો કાર મળી આવી હતી. હિરેન મનસુખનો દાવો હતો કે, આ કાર તેમની છે, પરંતુ ઘટનાના એક સપ્તાહ પહેલા જ તેની ચોરી થઈ ગઈ હતી. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે 5 માર્ચે ઠાણેમાં એક નદી કિનાર હિરેનની લાશ મળી આવી હતી. હિરેનની પત્નીએ દાવો કર્યો છે કે, તેમના પતિએ પોતાની કાર ગત વર્ષે નવેમ્બરમાં વાજેને આપી હતી અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરત કરી હતી. જો કે વાજેએ આ વાત માનવાનો ઈન્કાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.