////

અહીં કોરોના વેક્સિન મુકાવવા પર મળી રહી છે ગિફ્ટ, સરકારનું 100 ટકા વેક્સિનેશન કરાવવા અનોખું અભિયાન

ગુજરાતમાં વેક્સિનેશન કરવા માટે સરકાર મહેનત કરી રહી છે. મહત્તમ લોકો વેક્સિનેશન કરાવે તે માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાથી બચવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય હોવાનું પણ સરકાર જણાવી રહી છે. તેવામાં શહેરી વિસ્તારમાં તો લોકો વેક્સિન લઇ રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ વેક્સિનેશન મુદ્દે ભારે નિરાશા જોવા મળી રહી છે. જેના કારણે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મહત્તમ વેક્સિનેશન થાય તે માટે પ્રયાસો કરી રહી છે.

સરકાર દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારનાં લોકો વેક્સિન લે તે માટે 2 NGO સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ જિલ્લાના 10 ગામોમાં જે પણ વ્યક્તિ વેક્સિન લેશે તેને 1 કિલો કપાસીયા તેલ ગીફ્ટ સ્વરૂપે આપવામાં આવશે. 2 NGO સાથે કોઓર્ડિનેશન કરીને આ પાયલોટ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. જો તે સફળ રહેશે તો તેને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો તેમાં અનાજ સહિતની વસ્તુઓ પણ ઉમેરવામાં આવશે.

નોંધનીય છે કે, 2 NGO દ્વારા વેક્સિન લેનારા વ્યક્તિઓને અલગ અલગ ગીફ્ટ આપવામાં આવી રહી છે. જેમાં એક એનજીઓ દ્વારા તેલ અપાઇ રહ્યું છે. તો અન્ય એક એનજીઓ દ્વારા અનાજ અને અન્ય મસાલા આપવામાં આવી રહ્યા છે. સાણંદ તાલુકાના નલખાંઠા વિસ્તારના ગામોમાં આ અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ 10 ગામથી વધારીને 67 ગામોમાં વ્યાપ્ત કરવામાં આવે તેવું લક્ષ્યાંક પણ મુકવામાં આવ્યું છે. સ્કિમથી આકર્ષાઇને ગામડાના લોકોનું મહત્તમ વેક્સિનેશન થાય તેવો અભિગમ સેવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.