////

મહારાષ્ટ્ર સિવાય આ 3 રાજ્ય પણ બની રહ્યાં છે કોરોના હોટસ્પોટ

દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વાર વધી રહ્યું છે, ત્યારે દેશમાં 110 દિવસો બાદ રેકોર્ડ પ્રથમવાર 39 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ અગાઉ 29 નવેમ્બર-2020ના રોજ 38,772 કોરોના કેસ નોંધવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં 39,726 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 154 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,15,14,331 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 1,59,370 દેશવાસીઓને ભરખી ચૂક્યો છે.

તે છેલ્લા 24 કલાકમાં 20,654 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,10,83,679 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવાામં આવ્યા છે. હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,71,282 પર પહોંચી ચૂકી છે.

મહારાષ્ટ્ર સિવાય દેશના 3 અન્ય રાજ્યો પર કોરોના વાઈરસના હોટસ્પોટ બનવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ સામેલ છે. જ્યાં પ્રતિદિન આવનારા કોરોનાના કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આ સાથે જ દિલ્હી-એનસીઆરમાં પણ કોરોનાના વધતા જતાં કેસોએ એક વખત ફરીથી સરકારની ચિંતા વધારી દીધી છે. ભારતમાં છેલ્લા 7 દિવસોમાં સંક્રમણનો દર પણ ગત 30 દિવસોમાં 1.4 ટકા વધ્યો છે. જો કે મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા દેશના એવા રાજ્યો છે, જ્યાં સંક્રમણનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં 1.4 ટકા વધુ છે.

રાજ્ય અને જિલ્લા સ્તર બન્નેના આધાર પર આંકડા દર્શાવે છે કે, દેશના પશ્ચિમ વિસ્તારોમાં પૂર્વોત્તરની સરખામણીમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પંજાબમાં આંકડા સૌથી વધુ ચિંતાજનક છે. અહીં છેલ્લા 30 દિવસોની અંદર પ્રતિદિન સામે આવનારા કેસોમાં 531 ટકાનો વધારો થયો છે. એક અઠવાડિયામાં સંક્રમણ દર પણ 4.7 ટકા વધી ગયો છે. મહારાષ્ટ્ર બાદ પંજાબમાં જ કોરોનાના કેસો સૌથી ઝડપથી વધી રહ્યાં છે.

જ્યારે હરિયાણા દેશનું ત્રીજુ એવું રાજ્ય છે, જ્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા 30 દિવસોમાં કોરોનાના કેસમાં 398 ટકા વધ્યા છે. આટલું જ નહીં, રાજ્યમાં સરેરાશ પોઝિટિવિટી રેટ પર 2.2 ટકાની ઉપર પહોંચી ગઈ છે. ગુરુગ્રામમાં જ ગુરુવારે કોરોનાના 104 નવા કેસ સામે આવ્યા. 84 દિવસ બાદ એવું બન્યું, જ્યારે ગુરુગ્રામમાં 100થી વધુ કેસ નોંધાયા હોય.

તો મધ્ય પ્રદેશમાં પણ રોજ સામે આવતા કેસોમાં 277 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 3.3 ટકા વધી ગયો છે. મધ્ય પ્રદેશમાં મોટી ચિંતા અહીંનો ટેસ્ટિંગ દર છે. ગત સપ્તાહે રાજ્યમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ માત્ર 191 ટેસ્ટ જ કરવામાં આવ્યા.

દેશની રાજધાની દિલ્હીમાં પણ ગુરુવારે કોરોનાના 607 નવા કેસ સામે આવ્યા. અગાઉ આજ વર્ષે 6 જાન્યુઆરીએ 654 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 7-8 દિવસોથી સંક્રમણનો દર સતત વધતો જઈ રહ્યો છે. એક માર્ચે દિલ્હીમાં સંક્રમણનો દર 0.44 ટકા હતો, જે 18 માર્ચે 0.76 સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.