
રાજ્યના 33 જિલ્લાઓ સુધી કોરોના પહોંચી ગયો છે જેમાંથી હવે પાટણ પણ બાકાત નથી. તો પાટણમાં પણ કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પાટણમાં કોરોનાથી સંક્રમિત દર્દીનું મૃત્યું નિપજ્યું છે ત્યારે પાટણના સિવિલ હોસ્પિટલ અંગે ધારાસભ્ય દ્વ્રારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તજજ્ઞ ડોકટર્સની નિમણુક કરવાની સરકારને અપીલ કરી છે. નોંધનીય છે કે છેલ્લા ઘણાં સમયથી પાટણ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખાતે મોટા ભાગના ડોકટરની જગ્યાઓ ખાલી છે જે અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતા હજું સુધી ખાલી જગ્યાઓ ભરાઈ નથી. તો જિલ્લાનો મુખ્ય સિવિલ હોવા છતા ફીજીશીયન, ગાયનેક, રેડિયોલોજી, એનેસ્થેટીક જેવી મહત્વની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. પાટણમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને મોટાભાગની ખાનગી હોસ્પિટલો બંધ છે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલ ખાતે તજજ્ઞ ડોકટર્સની નિમણુક કરવા અપીલ કરી છે.